રાજ્યના ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા દરેક તાલુકાઓમાં તા.6 અને 7 ડિસેમ્બરના રોજ બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

અન્ન અને નાગરીક પુરવઠા મંત્રી ભીખુસિંહજી પરમારની અધ્યક્ષતામાં આજરોજ ભાભર તાલુકાના ખારા ગામે તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ યોજાયો હતો. મંત્રીએ કૃષિ મહોત્સવમાં ઉપસ્થિત રહીને ખેડૂતોને પ્રેરિત કરવાની સાથે સરકાર ની યોજનાઓ અંતર્ગત વિવિધ લાભાર્થીઓને લાભ વિતરણ કરાયા હતા.

આ કાર્યક્રમમાં મંત્રી ભીખુસિંહજી પરમારે જણાવ્યું હતું કે, ખેડૂતોના હિતમાં સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે. ખેડૂતો માટે પોતાના પાકના ટેકાના ભાવ હોય કે પછી રાહત પેકેજ હોય સરકાર હર હંમેશા ખેડૂતો સાથે ઊભી રહી છે.
તેમણે જણાવ્યું કે, સરકારના પ્રયત્નોથી રાજ્યમાં આજે લાખો ખેડુતોએ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને અપનાવી છે. તેમણે ખેડૂતોને નજીવા ખર્ચે અને વધુ ઉપજ આપતી પ્રાકૃતિક ખેતીને અપનાવવા હાકલ કરી હતી.
કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોની આવક ડબલ થાય તે માટે સદૈવ તત્પર હોવાનું જણાવ્યું હતું. વધુમાં મંત્રીએ ખેડૂત મિત્રોને સરકારની વિવિધ યોજનાનો લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો.

મંત્રી અને ઉપસ્થિત વિવિધ મહાનુભવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજનાઓ હેઠળ સહાયના ચેક વિતરણ કરાયા હતા.
જેમાં બાગાયત, ખેતીવાડી અને પ્રગતિશીલ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સહાય વિતરણ કરાઈ હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્ટોલ ઊભા કરીને ખેડૂતોને માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી નોડલ અધિકારી આશાબેન પ્રજાપતિ, તાલુકા વહીવટી તંત્ર સહિત વિવિધ અધિકારીઓ અને પદાધિકારીઓ તથા હોદ્દેદારો હાજર રહ્યા હતા.