કપડવંજ શહેરના ડાકોર ચોકડી થી પીરના લીમડા સુધી રોડની બંને બાજુ ગેરેજ ના કારીગરો અને માલિકો દ્વારા રોડ પર જ વાહનો રીપેરીંગ કરતા વિકાસ પથ સાંકડો થયો છે અને જેને પરિણામે અવારનવાર અકસ્માત થવાની ઘટનાઓ સર્જાય છે. ત્યારે રોડ પર વાહન મુકી રખાતા શહેરીજનોને ભારે હાલાકી ભોગવાનો વારો આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કપડવંજ શહેરની મધ્યમાંથી નડિયાદ મોડાસાને જોડતો સ્ટેટ હાઇવે પસાર થાય છે. જેને પરિણામે શહેરમાં અવારનવાર ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે.
ત્યારે શહેરના ડાકોર ચોકડીથી લઈ પીરના લીમડા સુધીના માર્ગની બંને બાજુ આવેલા ફૂટપાથ પર વાહન રીપેરીંગ કરતાં ગેરેજના કારીગરો દ્વારા રોડ પર જ રીપેરીંગમા આવતા વાહનોને રોડ ઉપર જ ઉભા કરી દેવામાં આવે છે અને સવારથી સાંજ સુધી તેમાં મરામત કરવામાં આવતી હોય છે.
જેથી આ માર્ગ સાંકડો બન્યો છે અને અવારનવાર ગેરેજ માલિકો દ્વારા ઉભા કરવામાં આવેલા દબાણોને પરિણામે અકસ્માતો સર્જાતા રહેતા હોય છે. શહેરના સ્ટેટ હાઇવે પર જ ગેરકાયદે વાહનોનો ખડકલો કરી દેવામાં આવતા આ માર્ગ પરથી પસાર થતાં વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ અને વૃદ્ધોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
તંત્ર દ્વારા ગેરેજ માલિકો સામે કડક કાર્યવાહી કરી રોડ પર ખડકલાઓ કરતાં વાહનોના માલિકો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી કપડવંજ શહેરીજનો માંગ ઉઠવા પામી છે.