Gujarat

અચૂક મતદાન કરવા નાગરિકોને પ્રોત્સાહિત કરતા દિવ્યાંગજનો, દિવ્યાંગ મતદારો દ્વારા ‘મતદાન જાગૃતિ’ બાઈક રેલી યોજાઈ

‘દસ મિનિટ, દેશ માટે’ ના સૂત્ર સાથે દિવ્યાંગજનોએ ‘મતદાન જાગૃતિ’નો અનોખી રીતે સંદેશો આપ્યો

અમદાવાદ જિલ્લામાં આગામી તા. ૭મી મે, ૨૦૨૪ના રોજ યોજાનારી લોકસભા સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને ‘મતદાન જાગૃતિ’ અન્વયે અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અવનવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ સાથે શહેર તથા જિલ્લામાં વિવિધ એનજીઓ, સામાજિક સંસ્થાઓ દ્વારા પણ ‘મતદાન જાગૃતિ’ સંદર્ભે વિશિષ્ટ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
અમદાવાદમાં રવિવારે દિવ્યાંગજનોએ ‘મતદાન જાગૃતિ’ બાઈક રેલી યોજી નાગરિકોને મત આપવા પ્રોત્સાહિત કર્યા હતા.

દિવ્યાંગ મતદારો દ્વારા યોજાયેલી આ બાઈક રેલી શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી. દિવ્યાંગ મતદારોએ હાથમાં મતદાન જાગૃતિનાં વિવિધ બેનરો અને પોસ્ટર્સ જેવા કે, ‘વોટ ફોર સ્યોર’, ‘દસ મિનિટ દેશ માટે’, ‘ચુનાવ કા પર્વ દેશ કા ગર્વ’ જેવાં વિવિધ સૂત્રો દ્વારા નાગરિકોને દેશહિતમાં મતદાન કરવાની અપીલ કરી હતી.

અંધજન મંડળથી પ્રસ્થાન થયેલી દિવ્યાંગજનોની આ બાઈક રેલી હેલ્મેટ ચાર રસ્તા, શાસ્ત્રીનગર, રાણીપ ક્રોસ રોડ, સુભાષ બ્રીજ, કલેકટર કચેરી, ગાંધી આશ્રમ, રિવરફ્રન્ટ, પાલડી, પરિમલ ચાર રસ્તા, આઈઆઈએમથી અંધજન મંડળ પરત ફરી હતી.

આમ, દિવ્યાંગજનો દ્વારા ‘મતદાન જાગૃતિ’ અભિયાનનો નારો બુલંદ કરાયો હતો. આ રેલીમાં જિલ્લા સમાજસુરક્ષા ખાતાના અધિકારી સુશ્રી હેતલબેન પરમાર, સ્વીપના નોડલ ઓફિસર શ્રી યોગેશ પારેખ, દિવ્યાંગ એસોસિએશન તથા વિવિધ સમાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સહિતના લોકો હાજર રહ્યા હતા.