Gujarat

વારસીયામાં ઝુપડપટ્ટીમાં આગ લાગતા દોડધામ, સ્થાનિકોએ ધાબા પરથી પાણીનો મારો ચલાવ્યો, બે ઝુપડા બળીને ખાખ

પ્રવર્તમાન ઉનાળાની ઋતુમાં શહેરમાં અનેક આગના બનાવો બન્યા છે. ત્યારે આજે વધુ એક આગનો બનાવ વારસીયા વિસ્તારમાં વીમા દવાખાના પાછળ આવેલ પડપટ્ટીમાં બન્યો હતો. સ્થાનિક લોકો અને સમયસર પહોંચેલી ફાયર બ્રિગેડની કામગીરીના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

પ્રાથમિક તપાસમાં ટીવીમાં બ્લાસ્ટ થવાના કારણે લાગેલી આગના પગલે બે ઝૂંપડા બળીને ખાખ થઈ ગયા હતા. આ બનાવે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં હાહાકાર મચાવી મૂક્યો હતો. લોકોએ દોડધામ કરી મૂકી હતી. આ બનાવમાં કોઇ જાનહાની થઇ નથી.

મળેલી માહિતી પ્રમાણે, શહેરના વારસીયા વિસ્તારમાં વીમા દવાખાના પાસે આવેલ ઝૂંપડપટ્ટીમાં આગ ફાટી નીકળી હતી. આશરે 50 જેટલા ઝૂંપડાની વચ્ચે આવેલા એક ઝૂંપડામાં TVમાં બ્લાસ્ટ થવાના કારણે આગ ફાટી નીકળી હતી.

આગ લાગતાની સાથે જ સ્થાનિક લોકો પોતાના છાપરા ઉપર અને ટેરેસ ઉપર ચડી ગયા હતા અને પાણીની ડોલો ભરીને આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, આગ પ્રસરી રહી હોવાના કારણે બનાવવાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી.