Gujarat

વિશ્વ વિખ્યાત અવકાશયાત્રી વિલિયમ એન્ડર્સનું પ્લેન ક્રેશમાં મોત

વિશ્વ વિખ્યાત અવકાશયાત્રી, નિવૃત મેજર જનરલવિલિયમ એન્ડર્સનું પ્લેન ક્રેશમાં મૃત્યુ થયું છે. ટેક ઓફ થતા જ પ્લેન પોતાનું સંતુલન ગુમાવી પલટી ગયું હતું અને દરિયામાં પડી ગયું. પ્લેનમાં ૯૦ વર્ષીય નિવૃત્ત મેજર જનરલ વિલિયમ એન્ડર્સ, ભૂતપૂર્વ એપોલો ૮ અવકાશયાત્રી હતા અને દુર્ઘટના સમયે વિન્ટેજ એર ફોર્સ ટી-૩૪ મેન્ટર સોલો ઉડાવી રહ્યા હતા. વિલિયમના પુત્ર, નિવૃત્ત એરફોર્સ લેફ્‌ટનન્ટ કર્નલ ગ્રેગ એન્ડર્સે અકસ્માતની પુષ્ટિ કરી હતી.

આ દુર્ઘટના સાન જુઆન ટાપુઓ પર જોન્સ આઇલેન્ડના ઉત્તરીય છેડે થયો હતો. નિવૃત મેજર જનરલ વિલિયમ એન્ડર્સે ૨૪ ડિસેમ્બર ૧૯૬૮ના રોજ પૃથ્વીની પહેલી સુંદર તસવીર ક્લિક કરી હતી. પૃથ્વીનો પહેલો ‘અર્થરાઇઝ’, જે છાંયેલા વાદળી આરસ જેવો દેખાતો હતો, તે વિશ્વને બતાવવામાં આવ્યો હતો.

વિલિયમનો જન્મ ૧૭ ઓક્ટોબર ૧૯૩૩ના રોજ હોંગકોંગમાં થયો હતો. ૧૯૬૪માં તેમની પસંદગી નાસાના સ્પેસ પ્રોગ્રામ માટે થઈ હતી. વિલિયમ એન્ડર્સ યુએસ નેવીમાં ફરજ બજાવતા હતા. તેમણે એરફોર્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં પણ કામ કર્યું. એપોલો ૮ પ્રોજેક્ટમાં ૬૦૦૦ કલાકથી વધુ સમય સુધી અવકાશમાં રહેવાનો રેકોર્ડ પણ તેમના નામે છે.

પ્લેન ક્રેશની દુર્ઘટનામાં વિલિયમના મૃત્યુથી અવકાશયાત્રીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને વિલિયમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. એક યુઝરે વિલિયમની તસવીર શેર કરી અને લખ્યું કે ભગવાન એપોલો-૮ અવકાશયાત્રી વિલિયમ એન્ડર્સને શાંતિ આપે. અન્ય એક યુઝરે લખ્યું કે વિલિયમ પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.