Gujarat

ગઈકાલે સાંજે સમાધાન બાદ રાત્રે વેપારીઓએ બંધનું એલાન કર્યું, 200 ટેક્સી ચાલકોની પણ હડતાળ, સુરક્ષાની માગ સાથે પોલીસને આવેદન પાઠવ્યું

અંબાજીના વેપારીઓએ ગઈકાલે બપોરે માનસરોવર ખાતે મિટિંગ યોજી હતી. જેમાં મોટા ભાગના વેપારીઓ ભેગા થઈને અંબાજીમાં વધતી ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવામાં આવે તેવી માગ સાથે આવેદનપત્ર આપવા જેવી અનેક ચર્ચાઓ કરવામાં આવી હતી અને અંબાજી ગામ બંધ રહેશે તેવું અંબાજીના વેપારીઓએ નક્કી કર્યું હતું. ત્યાર બાદ સાંજે અંબાજી પોલીસ સ્ટેશનમાં વેપારીઓએ સાથે અંબાજી પોલીસે મિટિંગ યોજી હતી.

આ મિટિંગમાં અંબાજીના PSI સાથે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી અને પોલીસના આશ્વાસન બાદ બજાર ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ રાત્રે અંબાજીમાં અલગ અલગ જગ્યાએ ગ્રામજનો અને વેપારીઓની નાની-મોટી મિટિંગોનો દોર ચાલુ થઈ ગયો હતો અને છેલ્લે સમગ્ર અંબાજી એક થઈ બંધનું એલાન કર્યું હતું. જે બાદ આજે અંબાજી સજ્જડ બંધ રહ્યું હતું અને તેમની સાથે 200 જેટલા ટેક્સી ચાલકો પણ હડતાળમાં ઉતર્યા છે.

અંબાજી પોલીસ સાથેની બેઠક બાદ સમગ્ર અંબાજી બજાર બંધ અને ચાલુને લઇ ચર્ચાએ જોર પકડ્યું હતું. રાત્રીના સમયે અંબાજીમાં અલગ અલગ જગ્યાએ ગ્રામજનો અને વેપારીઓની નાની-મોટી મિટિંગોનો દોર ચાલુ થઈ ગયો હતો અને આખરે અંબાજી બંધ રાખવાના નિર્ણયને માન્ય રાખ્યો હતો.