International

ન્યૂજર્સીમાં એક ભારતીય યુવકે ટેલિફોન પ્રોવાઇડર અને ઇન્શ્યોરન્સ કંપનીઓ સાથે લાખો ડોલરનો ફ્રોડ કર્યો

અમેરિકાના ન્યૂજર્સીમાં એક મોટો ફ્રોડ કરવામાં આવ્યો હતો જેના લીધે આખા દેશમાં ચર્ચાઓ થઈ રહી છે જેમાં એક ભારતીય યુવકે ટેલિફોન પ્રોવાઇડર અને ઇન્શ્યોરન્સ કંપનીઓ સાથે લાખો ડોલરનો ફ્રોડ કર્યો છે, અને તેણે છેતરપિંડી કરી હોવાનું સ્વીકારી લીધું છે. ન્યૂજર્સીમાં રહેતા ૩૬ વર્ષીય સંદીપ બેંગેરાએ ચોરાયેલી અને ફેક આઈડેન્ટિટીનો ઉપયોગ કરીને સેલ ફોન રિપ્લેસ કરવા માટે બોગસ ક્લેમ કર્યા હતા એ પછી તે ફોન યુનાઇટેડ સ્ટેટ્‌સની બહાર વેચી દીધા હતા.

આ ફ્રોડ કરવાના આરોપમાં સંદીપને હવે ૨૦ વર્ષ સુધીની જેલની સજા અને ૨,૫૦,૦૦૦ ડોલરનો દંડ થઈ શકે છે. સંદીપ બેનગેરાને ૧૦ ઓક્ટોબર, ૨૦૨૪ના રોજ સજા સંભળાવવાની છે.

આ ફ્રોડની તપાસમાં સામે આવ્યું કે આ સ્કેમમાં સંદીપ બેંગેરા સાથે બીજા લોકો પણ સામેલ હતા, જે આખા અમેરિકામાં મેઈલ બોક્સ અને સ્ટોરેજના યુનિટનું નેટવર્ક ચલાવતા. આ કેસની સામે આવેલી વિગતો અનુસાર, સંદીપની સાથે જે લોકો સામેલ હતા, તેમાં ધનંજય પ્રતાપ સિંહ અને પરાગ ભાવસારનું નામ સામે આવ્યું છે.

વિગતો અનુસાર, આ કાવતરામાં સામેલ ધનંજય પ્રતાપ સિંહ દિલ્હીથી કામ કરતો હતો, તેની સામે કોઈ ચાર્જ લગાવવામાં આવ્યો નથી, સાથે જ અન્ય કાવતરાખોર નેવાર્ક, ડેલવેરમાં રહેતા પરાગ ભાવસારને પણ આરોપી બનાવવામાં આવ્યો નથી. માહિતી અનુસાર, સંદીપ બેંગેરાએ જૂન ૨૦૧૩ અને જૂન ૨૦૧૯ની વચ્ચે, છ વર્ષ સુધી, યુએસ મેઇલ સિસ્ટમ અને બીજા થર્ડ પાર્ટી કેરિયર્સ દ્વારા ટેલિફોન પ્રોવાઇડર અને ઇન્શ્યોરન્સ કંપનીઓ સાથે ૯ મિલિયન ડોલરથી વધુની છેતરપીંડી કરી. સંદીપ બેંગેરા તેની સામે સામેલ લોકો સાથે મળીને સેલફોન ખોવાઈ ગયા, ચોરાઈ ગયા કે ડેમેજ થઈ ગયા છે એવા ફેક ક્લેમ કરવા માટે ચોરી કરેલી અને ફેક આઈડેન્ટિટીનો ઉપયોગ કરતા હતા.

સંદીપ બેંગેરાએ ફ્રોડ કરવા માટે વિશાલ રાવલ, વિહાણ શેઠ અને સાગર શર્મા જેવા નામોનો ઉપયોગ કર્યો હતો. નેવાર્ક સ્થિત સંદીપે ફેડરલ કોર્ટમાં મેલ છેતરપિંડી અને ચોરાયેલ માલને ઈન્ટરસ્ટેટ ટ્રાન્સફર કરવાનું કાવતરું ઘડવાનો આરોપ કબૂલી લીધો છે. તેણે ૯ મિલિયન ડોલરથી વધુ કિંમતનો માલ યુનાઇટેડ સ્ટેટ્‌સની બહાર વેચી દીધો હતો. તેણે રિપ્લેસ થયેલા ડિવાઈસને વેચતા પહેલા આ રિપ્લેસ થયેલા ડિવાઈસને મેળવવા માટે અને સ્ટોર કરવા માટે ન્યૂજર્સી સહિત આખા અમેરિકામાં મેઈલબોક્સ અને સ્ટોરેજ યુનિટનું નેટવર્ક જાળવી રાખ્યું હતું.