International

ભારતે બાંગ્લાદેશમાં ઇસ્કોનના નેતા ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ સામે સખત વાંધો વ્યક્ત કર્યો

બાંગ્લાદેશમાં ઈસ્કોન નેતા ચિન્મય દાસની ધરપકડ પર ભારતના વિદેશ મંત્રાલયે એક નિવેદન આપ્યું

ભારતે બાંગ્લાદેશમાં ઇસ્કોનના નેતા અને બાંગ્લાદેશ સનાતન જાગરણ જાેટેના પ્રવક્તા ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ સામે સખત વાંધો વ્યક્ત કર્યો છે. ભારતના વિદેશ મંત્રાલયે મંગળવારે એક નિવેદન જારી કરીને કહ્યું કે, અમે ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ અને તેને જામીન ન આપવા પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. તે દુર્ભાગ્યપૂર્ણ છે કે હિંદુઓ અને અન્ય લઘુમતીઓ પર હુમલાના ગુનેગારો બાંગ્લાદેશમાં મુક્તપણે ફરે છે. જ્યારે શાંતિપૂર્ણ રીતે પોતાની માંગણીઓ રજૂ કરી રહેલા એક ધાર્મિક નેતા પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે.

મંત્રાલયે બાંગ્લાદેશ સરકારને વિનંતી કરી છે કે તેઓ તમામ લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરે અને તેમને શાંતિપૂર્ણ વિરોધ અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર આપે. સોમવારે ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ બાદ હિન્દુ સમુદાયે ઢાકા, ચટગાંવ, કોક્સ બજાર અને મૌલવી બજાર જેવા ઘણા વિસ્તારોમાં શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કર્યા હતા. પરંતુ, આ પ્રદર્શનોને હિંસાનો સામનો કરવો પડ્યો હતો. રાજધાની ઢાકાના શાહબાગ વિસ્તારમાં ઉગ્રવાદી જૂથો અને શાસક પક્ષના સમર્થકો દ્વારા દેખાવકારો પર હુમલો કરવામાં આવ્યો હતો.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, પોલીસ મૂક પ્રેક્ષક બની રહી હતી જ્યારે પ્રદર્શનકારીઓને લાકડીઓ અને પથ્થરોથી મારવામાં આવ્યો હતો. આ હુમલામાં અનેક લોકો ઘાયલ થયા છે. ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ એવા સમયે થઈ છે જ્યારે બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. લઘુમતી સમુદાયના ઘરો, વ્યવસાયો અને મંદિરોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તાજેતરમાં, ઘણા મંદિરોમાં તોડફોડ અને મૂર્તિઓને નુકસાનની ઘટનાઓ પ્રકાશમાં આવી છે.

ભારતે બાંગ્લાદેશ સરકારને આ ઘટનાઓ પર ગંભીર પગલાં લેવાની અપીલ કરી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, સરકારે એ સુનિશ્ચિત કરવું પડશે કે લઘુમતીઓને ન્યાય અને સુરક્ષા મળે. શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન પર હુમલો કરવો અને ધાર્મિક નેતાઓને નિશાન બનાવવું એ કોઈપણ સંસ્કારી સમાજમાં સ્વીકાર્ય નથી. જાે બાંગ્લાદેશમાં લઘુમતીઓના રક્ષણ માટે તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો હિંસા અને દમનનો આ ક્રમ વધુ વધી શકે છે.