International

ટોચના કમાન્ડરના મોત બાદ થયો હુમલો, થોડા દિવસ પહેલા યુદ્ધની ધમકી આપી હતી

ઈરાન તરફી સંગઠન હિઝબુલ્લાહે ઈઝરાયેલ પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો હતો. એપીના અહેવાલ મુજબ આતંકવાદી સંગઠને ગુરુવારે યહૂદી દેશ પર 200થી વધુ રોકેટ છોડ્યા હતા. આ સિવાય લગભગ 20 ડ્રોનથી પણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ઈઝરાયેલના ઘણા સૈન્ય મથકોને નિશાન બનાવવામાં આવ્યા હતા.

ઇઝરાયેલની સેનાએ કહ્યું કે, કેટલીક મિસાઇલો લેબનોનથી તેમના વિસ્તારમાં પડી હતી. આમાંથી ઘણાને અટકાવવામાં આવ્યા હતા. હજુ સુધી કોઈ નુકસાનના સમાચાર નથી. હિઝબુલ્લાહે પોતાના એક ટોચના કમાન્ડરના મોતનો બદલો લેવા માટે આ હુમલો કર્યો હતો.

હકીકતમાં, ઇઝરાયેલે બુધવારે દક્ષિણ લેબેનોનના ટાયર શહેરમાં હુમલો કર્યો હતો. જેમાં હિઝબુલ્લાહનો ટોચનો કમાન્ડર મોહમ્મદ નિમાહ નાસિર (હજ અબુ નિમાહ) માર્યો ગયો હતો. હિઝબુલ્લાહે પણ કમાન્ડરના મોતની પુષ્ટિ કરી હતી.

આ હુમલા બાદ ઈઝરાયેલના રક્ષા મંત્રી યોવ ગાલાંટે કહ્યું હતું કે, આઈડીએફ હિઝબુલ્લાહ વિરુદ્ધ કોઈપણ કાર્યવાહી કરવા માટે તૈયાર છે.