National

મણિપુરના જીરીબામમાં હત્યા બાદ હિંસા, મેઈતેઈ ઘર છોડીને ભાગ્યા; કર્ફ્યૂ લગાવ્યો

લોકસભાની ચૂંટણી પૂરી થતાંની સાથે જ એનઆઈએએ મણિપુરમાં 13 મહિનાથી ચાલી રહેલી હિંસાના કથિત માસ્ટરમાઇન્ડનો ખુલાસો કર્યો છે.

બીજી તરફ, ગુરુવારે મોડી સાંજે શંકાસ્પદ કુકી ઉગ્રવાદીઓ દ્વારા મેઇતેઈના એક વૃદ્ધના અપહરણ અને હત્યાના વિરોધમાં ફાટી નીકળેલી હિંસા અને આગચંપી બાદ જીરીબામ જિલ્લામાં કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે.

મેઈતેઈ લોકોને ઘર છોડીને શાળાઓમાં આશ્રય લેવાની ફરજ પડી છે. એનઆઈએએ જણાવ્યું છે કે મણિપુર હિંસાના મુખ્ય સૂત્રધાર થોંગમિન્થાંગ હાઓકીપ ઉર્ફે થાંગબોઈ હાઓકીપ ઉર્ફે રોજર (કેએનએફ-એમસી)ની 6 જૂને ઇમ્ફાલ એરપોર્ટ પરથી ધરપકડ કરાઈ હતી.

એનઆઈએએ ગયા વર્ષે 18 જુલાઈના રોજ તેની વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા અને યુએ (પી) હેઠળ કેસ નોંધ્યો હતો.

કુકી ઉગ્રવાદીઓ પર હત્યાનો આરોપ

મણિપુર હજુ પણ અશાંત છે. જીરીબામ જિલ્લાના સોરોક અટીન્બી ખુનાઈના સોઈબામ શરતકુમારની ગુરુવારે કુકી ઉગ્રવાદીઓએ હત્યા કરી હતી.

જીરીબામ જિલ્લો એક વર્ષથી વધુ સમયથી ચાલતી હિંસાથી દૂર રહ્યો હતો પરંતુ આ ઘટનાથી જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. આગચંપી અને સાંપ્રદાયિક સંઘર્ષની આશંકા બાદ વહીવટીતંત્રે કર્ફ્યૂ લાદી દીધો છે.

મેઇતેઇએ પહેલા હુમલો કર્યો : કુકી

મોંગબેંગ ખુલ વિસ્તારના મેઇતેઈ લોકો ડરના માર્યા ઘર છોડીને ભાગી ગયા છે. આ તમામે જીરીબામના ચિંગડોંગ લીકાઈમાં આવેલી એલપી સ્કૂલમાં આશ્રય લીધો છે.

જિલ્લા મેજિસ્ટ્રેટે કલમ 144 લાગુ કરી અને પછી હિંસા-આગચંપીના ફેલાવાને રોકવા માટે કર્ફ્યૂ લાદયો. કુકી-જો સમુદાયનું કહેવું છે કે મેઈતેઈ સંગઠને જીરીબામની કુકી વસ્તી પર હુમલા શરૂ કર્યા છે.