National

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા અને વરસાદ

હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ૩૦ એપ્રિલ સુધી કાશ્મીરના પર્વતોમાં હિમવર્ષા અને વરસાદની આગાહી કરી છે.

જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગ, મુગલ રોડ, કિશ્તવાડ, ડોડા સહિતના તમામ ઊંચા પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા અને ઘણા નીચાણવાળા વિસ્તારોમાં દિવસભર વરસાદ ચાલુ રહ્યો હતો. રામબન જિલ્લામાં ઘણી જગ્યાએ પથ્થરો અને ભૂસ્ખલનને કારણે જમ્મુ-શ્રીનગર હાઈવે પર ઘણી વખત વાહનવ્યવહાર બંધ કરવો પડ્‌યો હતો. જેના કારણે નેશનલ હાઈવે જામ થઈ ગયો હતો.

જમ્મુ અને શ્રીનગરના ટ્રાફિક વિભાગે મુસાફરી કરતા લોકોને પ્રવાસ શરૂ કરતા પહેલા હાઈવેની સ્થિતિ તપાસવાની સલાહ આપી છે. તે જ સમયે, જમ્મુ ડિવિઝનને પુંછ જિલ્લામાંથી કાશ્મીર ડિવિઝન સાથે જોડતો મુગલ રોડ પણ હિમવર્ષાને કારણે વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે.

ઘણી જગ્યાએ બરફ, હિમપ્રપાત અને ભૂસ્ખલનને કારણે લગભગ ૫૦ જેટલા વાહનો ફસાઈ ગયા હતા, જેમને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. બીજી તરફ કિશ્તવાડથી અનંતનાગને જોડતો સંથનટાપ રોડ પહેલાથી જ બંધ છે. હવામાનને જોતા કિશ્તવાડ જિલ્લામાં શાળાઓ બંધ રાખવામાં આવી હતી.