National

ઇન્દિરા-રાજીવ સામે પણ વિપક્ષો એક થયેલા, વાજપેયીએ એક મતથી PM પદ ગુમાવેલું!

તો આખરે જેની ચાતક આંખે રાહ જોવાઈ રહી હતી એ દેશની લોકસભા-2024ની ચૂંટણીનાં પરિણામ આપણી સામે આવી ગયાં છે અને હવે ‘મોદી સરકાર 3.0’નો પ્રારંભ થવા જઈ રહ્યો છે. અફ કોર્સ, આ વખતે પાછલી બે ટર્મની સરખામણીએ 180 ડિગ્રી જુદો સિનારિયો છે. પાછલી બે ટર્મમાં ભાજપે એકલા હાથે ખેલ પાડી દીધેલો, પણ આ વખતે ભાજપની ગણતરી ધાર્યા કરતાં બહુ ઊંધી પડી. સમગ્ર દેશ માટે અને ખુદ ભાજપ માટે આ પરિણામ ચોંકાવનારાં અને આંચકાજનક છે. અરે, 400ની વાત તો જવા દો, પણ આખી NDAને 300 પાર કરતાં નાકે દમ આવી ગયો. સ્થિતિ એવી બની કે સરકાર બનાવવા માટે ભાજપને નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુનો ટેકો લેવો પડ્યો છે.

ભારતમાં નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ NDA (નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ)ની ગઠબંધન સરકાર રચાવા જઈ રહી છે. શપથવિધિની ઘડીઓ ગણાઇ રહી છે ત્યારે ગઠબંધનનો માહોલ ફરી તાજો થઇ રહ્યો છે. ભારતમાં એક સમયે ગઠબંધન સરકારનો દૌર હતો. ગઠબંધન ભારતીય રાજનીતિમાં બિલકુલ નવાઇભરેલી વાત નથી. યે તો આગે સે ચલી આતી હૈ… હિન્દુસ્તાનના આખા રાજકીય ઇતિહાસને આવરી લેતી ગઠબંધન સરકારની ઇતિહાસ કથાનાં કમાડ તમારી સામે ખૂલે છે…

આગે આગે દેખતે હૈ હોતા હૈ ક્યાં...

1937ની પ્રાંતીય ચૂંટણી, આઝાદી પહેલાં જ્યારે દેશમાં ચૂંટણી યોજાઇ

1937માં દેશમાં પ્રથમ વખત ચૂંટણી યોજાઈ હતી. આ માટે 1935માં બ્રિટિશ સંસદે ભારતીયોને પ્રાંતીય શાસનનું સંચાલન કરવાનો અધિકાર આપ્યો હતો, જેના કારણે ભારતમાં પ્રથમ વખત ચૂંટણીઓ યોજાઈ હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસે આખા દેશમાં સારુંએવું પ્રદર્શન કર્યું અને કુલ 1585માંથી 711 બેઠક પર કોંગ્રેસને જીત મળી. 11 રાજ્યમાંથી મદ્રાસ, બિહાર, ઓરિસ્સા, મધ્ય પ્રાંત અને સંયુક્ત પ્રાંતમાં કોંગ્રેસને પૂર્ણ બહુમતી મળી હતી. આ ઉપરાંત મુંબઈમાં પણ એટલી બેઠકો મળી કે કોંગ્રેસની સરકાર રચાઈ. એ પછી વાયવ્ય-સરહદ પ્રાંત અને આસામમાં પણ કોંગ્રેસ દ્વારા સરકારની સ્થાપના થઈ. જોકે સિંધ, પંજાબ અને બંગાળ આ ત્રણ પ્રાંતમાં બિન-કોંગ્રેસી સરકાર આવી. સિંધમાંથી ‘સિંધ યુનાઇટેડ ફ્રન્ટ’, પંજાબમાં સિકંદર હયાતની ‘યુનિયનિસ્ટ પાર્ટી’ અને બંગાળમાં કોંગ્રેસને સૌથી વધુ 54 બેઠક મળી હોવા છતાં ફઝલુહ હકની ‘કૃષિ પ્રજા પાર્ટી’એ મુસ્લિમ લીગ સાથે મળીને ગઠબંધન સરકાર બનાવી હતી. આ ચૂંટણીમાં મુસ્લિમ લીગને 482 બેઠકમાંથી માત્ર 106 બેઠક પર વિજય મળ્યો હતો. સિંધ, પંજાબ અને બંગાળમાં મુસ્લિમ લીગનું પ્રદર્શન ખૂબ ખરાબ રહ્યું હતું. હિંદુ મહાસભાનું પ્રદર્શન પણ આ ચૂંટણીમાં કંઇ વખાણવાલાયક નહોતું.

1937ની પ્રાંતીય ચૂંટણીમાં વિજયી બનેલા ઉમેદવારો.
1937ની પ્રાંતીય ચૂંટણીમાં વિજયી બનેલા ઉમેદવારો.

 

કોંગ્રેસ મંત્રીમંડળનું રાજીનામું

1937માં પ્રાંતીય વિધાનસભાની ચૂંટણીઓ સાથે વિધાન પરિષદો માટે પણ ચૂંટણીઓ યોજાઈ હતી. પાંચ પ્રાંતો, બોમ્બે, મદ્રાસ, બંગાળ, બિહાર અને ઉત્તરપ્રદેશની વિધાન પરિષદો માટે યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસને આંશિક સફળતા મળી હતી. ચૂંટણીનાં માત્ર બે વર્ષ પછી 1939માં બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું. ભારતીય ધારાસભાની સંમતિ વિના બ્રિટિશ સરકારે ભારતને યુદ્ધમાં ધકેલી દીધું. આવી સ્થિતિમાં દેશમાં ઈમર્જન્સી જાહેર કરવામાં આવી હતી. કોંગ્રેસે માગ કરી હતી કે યુદ્ધ પછી ભારતને આઝાદ કરવામાં આવે. સરકારે આ માગની અવગણના કરી, તેથી 15 નવેમ્બર, 1939ના રોજ કોંગ્રેસ કાર્યકારીની સૂચના પર, પ્રાંતીય કોંગ્રેસ મંત્રીમંડળે રાજીનામું ધરી દીધું.

હિન્દુ મહાસભા અને મુસ્લિમ લીગની ગઠબંધન સરકાર

આ માહોલમાં બંગાળમાં ફઝલુહ હકની ‘કૃષિ પ્રજા પાર્ટી’ને હિંદુ મહાસભાએ સમર્થન આપ્યું. ‘કૃષિ પ્રજા પાર્ટી’ને અગાઉથી જ મુસ્લિમ લીગે સમર્થન આપ્યું હતું, એ રીતે મુસ્લિમ લીગ અને હિંદુ મહાસભા એક જ હરોળમાં આવીને બેઠાં. હિંદુ મહાસભાના અગ્રગણ્ય નેતા શ્યામા પ્રસાદ મુખર્જી ફઝલુહ હકની સરકારમાં નાણામંત્રી બન્યા. એ રીતે આ ગાળામાં હિંદુ મહાસભા અને મુસ્લિમ લીગે સિંધ અને વાયવ્ય-સરહદ પ્રાંતમાં ગઠબંધન રચ્યું. આ ગઠબંધન મુદ્દે કોંગ્રેસ આજે પણ ભાજપને મેણાં મારે છે. નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશની ચૂંટણી રેલીમાં કોંગ્રેસનો ચૂંટણી મેનિફેસ્ટો મુસ્લિમ લીગની માનસિકતાને પ્રતિબિંબિત કરતો હોવાનું નિવેદન આપ્યું ત્યારે કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે જવાબમાં આ ગઠબંધનનું ઉદાહરણ સામું ફટકાર્યું હતું.

શ્યામા પ્રસાદ મુખર્જીનું ‘નારાજીનામું’

વર્ષ 1947માં આઝાદી બાદ દેશમાં પ્રથમ વચગાળાની સરકાર બની ત્યારે તત્કાલીન પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુએ શ્યામા પ્રસાદ મુખર્જીને પણ પોતાની કેબિનેટમાં મંત્રી બનાવ્યા હતા. મુખર્જી નેહરુના નજીકના મિત્ર હતા, પણ પાકિસ્તાનના પ્રથમ પીએમ લિયાકત અલી ખાન સાથેના નેહરુના કરારને લઈને નારાજ હતા. ભારતીય ઇતિહાસમાં નેહરુ-લિયાકત કરાર તરીકે ઓળખાતા આ કરારમાં બંને દેશોના લઘુમતીઓના અધિકારોના રક્ષણની વાત હતી. 19 એપ્રિલ 1950ના રોજ મુખર્જીએ આ કરારને મુસ્લિમ તુષ્ટીકરણની નીતિ ગણાવીને કેન્દ્રીય ઉદ્યોગમંત્રીના પદ પરથી રાજીનામું આપ્યું.

શ્યામા પ્રસાદ મુખર્જીએ નેહરુના મંત્રીમંડળમાંથી રાજીનામું આપીને જનસંઘની રચના કરી.
શ્યામા પ્રસાદ મુખર્જીએ નેહરુના મંત્રીમંડળમાંથી રાજીનામું આપીને જનસંઘની રચના કરી.

 

જનસંઘ બનાવ્યો, કોંગ્રેસ સામે નાના પક્ષોને ભેગા કર્યા

આ પછી શ્યામા પ્રસાદ મુખર્જીએ RSSના સરસંઘસંચાલક ગુરુ ગોલવલકર સાથે મુલાકાત કરી અને ‘જનસંઘ’ની રચના માટે વ્યૂહરચના બનાવી. મુખર્જી, પ્રોફેસર બલરાજ મધોક અને દીનદયાળ ઉપાધ્યાયે મળીને 21 ઓક્ટોબર 1951ના રોજ દિલ્હીમાં ભારતીય જનસંઘની સ્થાપના કરી. જોકે બાદમાં આ જનસંઘ પણ જનતા પાર્ટીમાંથી અલગ થયો. જનતા પાર્ટીમાં વિભાજન પછી એ જ પક્ષમાં સમાવિષ્ટ જનસંઘના નેતાઓએ 80ના દાયકાની શરૂઆતમાં એક નવી પાર્ટીની સ્થાપના કરી અને એનું નામ ‘ભારતીય જનતા પાર્ટી’ રાખવામાં આવ્યું.

મુખર્જીએ કોંગ્રેસથી અલગ થઈને પોતાની પાર્ટી બનાવી, પરંતુ આ પાર્ટી તેની પ્રથમ સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસને ખાસ નુકસાન પહોંચાડી શકી ન હતી. હકીકતમાં 1952માં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં જનસંઘ માત્ર ત્રણ બેઠક જીતવામાં સફળ રહ્યો હતો, જેમાં એક સીટ ખુદ શ્યામા પ્રસાદ મુખર્જીની હતી. શ્યામા પ્રસાદ ઘણીવાર સંસદમાં નેહરુની કાશ્મીર નીતિઓનો વિરોધ કરતા હતા. તેમણે કોંગ્રેસના વિરોધમાં નાના પક્ષોને સાથે લાવવાની પહેલ કરી અને નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ નામનું ગઠબંધન બનાવ્યું. આ ગઠબંધનમાં લોકસભાના 32 અને રાજ્યસભાના 10 સાંસદ સામેલ હતા. જોકે નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટને વિરોધપક્ષ તરીકે માન્યતા મળી નહીં.

જ્યારે 1967માં 2024વાળી થઈ!

ડિસેમ્બર,1885માં એ. ઓ. હ્યુમે કોંગ્રેસની સ્થાપના કરી. કોંગ્રેસે આઝાદી બાદ 1951-52માં પહેલીવાર લોકસભા ચૂંટણીમાં ઝંપલાવ્યું. આ ચૂંટણી કોંગ્રેસે પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુની આગેવાનીમાં લડી હતી. 1952માં કોંગ્રેસે ભારે બહુમતી મેળવીને ચૂંટણી જીતી. 1957 અને 1962માં પણ કોંગ્રેસનો વિજયરથ યથાવત્ રહ્યો. નેહરુના નિધન બાદ લાલબહાદુર શાસ્ત્રી પ્રધાનમંત્રી બન્યા. 1964માં તાશ્કંદમાં શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું. લાલબહાદુર શાસ્ત્રી બાદ ઇન્દિરા ગાંધી પ્રધાનમંત્રીપદે આવ્યાં. 1967માં કોંગ્રેસને પડકાર મળ્યો. આ ચૂંટણીમાં કોંગ્રેસને 520માંથી 283 બેઠક મળી. 1952થી 1967 સુધીમાં કોંગ્રેસનું અત્યારસુધીનું આ સૌથી નબળું પર્ફોર્મન્સ હતું. ઇન્દિરા ગાંધી પ્રધાનમંત્રી તો બન્યાં, પણ તેમની સામે આંતરિક ફરિયાદનો સૂર ઊઠ્યો. 1969માં કોંગ્રેસના બે ભાગલા પડ્યા. કોંગ્રેસ-ઓ એટલે કે ઓરિજિનલ અને કોંગ્રેસ આર. ઓરિજિનલ કોંગ્રેસ કામરાજ અને મોરારજી દેસાઇ લીડ કરી રહ્યા હતા, તો કોંગ્રેસ(આર)નું સુકાન હતું ઇન્દિરાના હાથમાં.

ઇન્દિરા ગાંધીને વડાંપ્રધાન બનાવવામાં કી-રોલ ભજવનાર કે. કામરાજે ગ્રાન્ડ એલાયન્સ રચ્યું હતું અને ઇન્દિરાને 1971ની ચૂંટણીમાં પડકાર ફેંક્યો હતો.
ઇન્દિરા ગાંધીને વડાંપ્રધાન બનાવવામાં કી-રોલ ભજવનાર કે. કામરાજે ગ્રાન્ડ એલાયન્સ રચ્યું હતું અને ઇન્દિરાને 1971ની ચૂંટણીમાં પડકાર ફેંક્યો હતો.

 

1971માં ગ્રાન્ડ એલાયન્સ રચાયું

1971માં ઇન્દિરા ગાંધીને વડાંપ્રધાન બનાવવામાં કી-રોલ ભજવનાર કિંગમેકર કે. કામરાજના વડપણ હેઠળ પ્રજા સોશિયાલિસ્ટ પાર્ટી, કોંગ્રેસ(ઓ), સંયુક્ત સોશિયાલિસ્ટ પાર્ટી, સ્વતંત્ર પાર્ટી, જનસંઘ વગેરે પાર્ટીએ ભેગાં મળીને ગ્રાન્ડ એલાયન્સનું ગઠન કર્યું. આ લોકોની એક જ માગ હતી- ‘ઇન્દિરા હટાવો, દેશ બચાવો’. ઇન્દિરાએ ચૂંટણી રેલીઓમાં આ લોકોને વળતો જવાબ આપ્યો- ‘વો કહેતે હૈ ઇન્દિરા હટાઓ, મૈં કહેતી હૂં દેશ સે ગરીબી હટાઓ’. ઇન્દિરા સામેનું વિરોધી જૂથ હારી ગયું અને ઇન્દિરાની 1971ની ચૂંટણીમાં જીત થઇ. 1971માં પાકિસ્તાનના બે ફાડિયાં કરી નાખનાર ઇન્દિરા ગાંધીની લોકપ્રિયતા પૂરબહારમાં હતી. અલબત્ત, 1975માં ઇન્દિરા ગાંધીએ કટોકટી લાદીને લોકતંત્રનો કાળો અધ્યાય લખ્યો. અખબારો પર સેન્સરશિપ આવી, વિપક્ષ નેતાઓને જેલમાં પૂરવામાં આવ્યા. નસબંધી જેવા શરમજનક કાર્યક્રમો પણ ઇન્દિરા પુત્ર સંજય ગાંધીએ કર્યા. ઇન્દિરાનાં વળતાં પાણી શરૂ થયાં.

જ્યારે કેન્દ્રમાં પ્રથમ ગઠબંધન સરકાર બની

ઇન્દિરાની લોકપ્રિયતામાં આવેલી ઓટ અને જનમાનસના આક્રોશમાંથી જન્મ થયો પ્રથમ ગઠબંધન સરકારનો. ઈમર્જન્સી બાદ વર્ષ 1977માં પ્રથમ વખત સામાન્ય ચૂંટણીઓ યોજાઈ. કટોકટીને કારણે જનતા નારાજ હતી, જેની સીધી અસર સામાન્ય ચૂંટણીનાં પરિણામો પર પડી. કોંગ્રેસ 154 બેઠક સાથે ભયંકર ખરાબ રીતે હારી ગઇ. એક બાજુ ઇન્દિરા રાજકારણમાંથી સંન્યાસ લેવાનું વિચારી રહ્યાં હતાં અને બીજી તરફ જયપ્રકાશ નારાયણ અને મોરારજી દેસાઇ જેવા દિગ્ગજોના નેતૃત્વમાં 13 પાર્ટીની બનેલી જનતા પાર્ટીએ દેશમાં પહેલીવાર બિનકોંગ્રેસી ગઠબંધન સરકાર બનાવી. મોરારજી દેસાઇ આ સરકારમાં વડાપ્રધાનની ખુરસી પર બિરાજમાન થયા.

સ્વ. મોરારજી દેસાઇ દેશની પ્રથમ ગઠબંધન સરકારમાં વડાપ્રધાન બન્યા હતા.
સ્વ. મોરારજી દેસાઇ દેશની પ્રથમ ગઠબંધન સરકારમાં વડાપ્રધાન બન્યા હતા.

 

ગઠબંધન સરકાર હાલકડોલક

આ બાજુ ઇન્દિરાએ સામ, દામ, દંડ, ભેદની રાજનીતિ શરૂ કરી દીધી હતી. બે જ વર્ષમાં આ ગઠબંધન હાલકડોલક થવા માંડ્યું. ચૌધરી ચરણસિંહની અંદર વડાપ્રધાન બનવાની મહત્ત્વાકાંક્ષા સળવળતી હતી. મોરારજી દેસાઈએ વર્ષ 1979માં પીએમ પદ પરથી રાજીનામું આપી દીધું. દેસાઈ પછી ચૌધરી ચરણ સિંહ ભારતના વડાપ્રધાન બન્યા. જોકે તેઓ 6 મહિના સુધી પણ આ પદ પર ટકી શક્યા નહોતા. વર્ષ 1980માં જનતા પાર્ટીની સરકાર પડી ગઇ અને એ જ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાઈ.

ઇન્દિરા ગાંધીની હત્યા, કોંગ્રેસની રેકોર્ડબ્રેક જીત

1980માં ઇન્દિરાએ જાણે રાખમાંથી બેઠાં થતાં હોય એમ વિરોધીઓનાં સૂપડાં સાફ કરી નાખ્યાં. 353 બેઠક અંકે કરીને ઇન્દિરાએ ભારે જંગી બહુમતીથી સરકાર બનાવી. ચાર વર્ષ બાદ 1984માં ‘ઓપરેશન બ્લૂ સ્ટાર’ની વેર ભાવનાને પરિણામે તેમના જ અંગત શીખ બોડીગાર્ડ દ્વારા ઇન્દિરા ગાંધીની હત્યા થઇ. ઇન્દિરાની હત્યા બાદ રાજીવ ગાંધી પ્લેન ચલાવતાં ચલાવતાં હવે સરકાર ચલાવવાના હતા. ડિસેમ્બર, 1984ની ચૂંટણીમાં કોંગ્રેસે રેકોર્ડબ્રેક જીત હાંસલ કરી. આ જનરલ ચૂંટણીમાં કોંગ્રેસને મળી 414 બેઠક. કોંગ્રેસનો આ વિક્રમ હજુ સુધી કોઈ તોડી શક્યું નથી. 2024માં ભાજપે આ સપનું જોયું પણ અધૂરું રહી ગયું!

રાજીવ ગાંધીની છબિ પર બોફોર્સના છાંટા ઊડ્યા

રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા ત્યારે પત્રકાર શિરોમણિ હસમુખ ગાંધીએ ‘સમકાલીન’માં કંઈક આવા મતલબનું મથાળું મારેલું: ‘દેશનાં બે દુર્ભાગ્ય: ઇન્દિરા ગાંધીની હત્યા અને રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા’

રાજીવ ગાંધી પાસે ન તો પૂરતો રાજકીય અનુભવ હતો કે ન તો દેશ ચલાવવાની ઇન્દિરાશાહી આવડત. રાજીવ ગાંધીકાળમાં બોફોર્સનું ભૂત મંડરાયું, ખેડૂતનેતા મહેન્દ્ર સિંહ ટિકૈતે કિસાન મહાપંચાયત યોજીને સરકારને ઘૂંટણિયે લાવી દીધી હતી. સરકારે ભારતમાંથી શાંતિ સેના મોકલવાના નામે શ્રીલંકામાં LTTE જૂથનો સફાયો કરવા માટે એક ઓપરેશન શરૂ કર્યું, જેના કારણે તમિળ સમુદાય ગુસ્સે થયો. શાહબાનો કેસમાં રાજીવ ગાંધી પર મુસ્લિમ તુષ્ટીકરણનાં માછલાં ધોવાયાં તો સામે હિંદુ પક્ષને રાજી રાખવા વિવાદાસ્પદ બાબરી મસ્જિદનાં તાળાં ખોલાવીને પૂજા કરવાનો અધિકાર આપી દીધો. સમાજમાં ધ્રુવીકરણની રાજનીતિનો કાળો ડાઘ રાજીવ ગાંધીની ચોખ્ખીચણાંક સફેદ છબિ પર લાગી ગયો. ખાસ તો બોફોર્સકાંડે રાજીવ ગાંધીને શિખરની ટોચ પરથી તળેટીમાં ફેંકી દીધા. હવે સંયુક્ત મોરચાનો જન્મ થવાનો હતો.

ઇન્દિરા ગાંધીની હત્યા બાદ સહાનુભૂતિનાં મોજાં પર સવાર થઇને રાજીવ ગાંધી 1984માં રેકોર્ડબ્રેક જીત સાથે દેશના વડાપ્રધાન બન્યા.
ઇન્દિરા ગાંધીની હત્યા બાદ સહાનુભૂતિનાં મોજાં પર સવાર થઇને રાજીવ ગાંધી 1984માં રેકોર્ડબ્રેક જીત સાથે દેશના વડાપ્રધાન બન્યા.

 

વી. પી. સિંહે રાજીવ ગાંધી સામે પડીને નેશનલ ફ્રંટની રચના કરી

વિશ્વનાથ પ્રતાપ સિંહ રાજીવ ગાંધીની કેબિનેટમાં નાણામંત્રી હતા. રાજીવ ગાંધીએ વી. પી. સિંહ પાસેથી નાણાં મંત્રાલય લઈને સંરક્ષણ મંત્રાલયનો હવાલો આપ્યો. રાજીવ ગાંધી અને વી. પી. સિંહ વચ્ચે મતભેદો સર્જાયા. વી. પી. સિંહે રાજીનામું આપીને ખુલ્લેઆમ રાજીવ ગાંધી પર બોફોર્સ તોપની ખરીદીમાં ગોટાળાનો આરોપ લગાવ્યો. વી. પી. સિંહે જનતા દળ, દ્રવિડ મુન્નેત્ર કઝગમ (DMK), તેલુગુ દેશમ પાર્ટી (TDP) અને આસામ ગણ પરિષદ સાથે સંયુક્ત મોરચાની એટલે કે નેશનલ ફ્રંટની રચના કરી.

રાજીવ ગાંધી સરકારમાંથી રાજીનામું આપ્યા બાદ વી. પી. સિંહે સંયુક્ત મોરચાનું ગઠન કર્યું અને 1989માં સરકાર પણ બનાવી.
રાજીવ ગાંધી સરકારમાંથી રાજીનામું આપ્યા બાદ વી. પી. સિંહે સંયુક્ત મોરચાનું ગઠન કર્યું અને 1989માં સરકાર પણ બનાવી.

 

વી. પી. સિંહની નેશનલ ફ્રંટ સરકાર, ભાજપે બહારથી ટેકો આપ્યો

1989ની ચૂંટણીમાં કોંગ્રેસની ભૂંડી હાર થઇ. 414 બેઠકનો ભવ્ય ભૂતકાળ ધરાવતી કોંગ્રેસ માત્ર 197 બેઠકોમાં સમેટાઇ ગઇ. વી. પી. સિંહના નેતૃત્વમાં જનતા દળે 143 બેઠક જીતી. ભારતીય જનતા પાર્ટીને 85 બેઠક મળી. કોંગ્રેસની મત ટકાવારી 39.5%, સંયુક્ત મોરચાની મત ટકાવારી લગભગ 24% અને ભાજપની મત ટકાવારી 11.4% હતી. કોંગ્રેસ બીજી વખત વિપક્ષમાં બેઠી. ભાજપનું અત્યારસુધીનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું. ભાજપે યુનાઈટેડ ફ્રંટને બહારથી ટેકો આપ્યો અને વી. પી. સિંહે સંસદમાં વડાપ્રધાન પદ માટે દેવીલાલના નામનો પ્રસ્તાવ મૂક્યો, જેને તેમણે નાટકીય રીતે નકારી કાઢ્યો અને વી. પી. સિંહનું નામ રજૂ કર્યું. વી. પી. દેશના સાતમા વડાપ્રધાન બન્યા અને દેવીલાલ દેશના બીજા નાયબ વડાપ્રધાન બન્યા.

વી. પી. સિંહની સામે દેવીલાલ બાંયો ચડાવે છે

તારીખઃ 9 ઓગસ્ટ, 1990.
વી. પી. સિંહની સાથે જે બે નામ વડાપ્રધાનની રેસમાં હતા, એમાં એક. ચંદ્રશેખર અને ચૌધરી દેવીલાલ હતા. દેવીલાલ અને વી. પી. સિંહ વચ્ચે વાંધાવચકા ચાલતા રહેતા હતા. દેવીલાલના દીકરા પર ચૂંટણીમાં ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા બાદ નાયબ વડાપ્રધાન તરીકે વી. પી. સિંહે દેવીલાલને હટાવ્યા. વી. પી. સિંહથી નારાજ દેવીલાલે દિલ્હીમાં કિસાન રેલી કાઢવાની જાહેરાત કરી. વી. પી. સિંહની સરકાર ડગુંમગું થઇ રહી હતી. આખરે શતરંજના શોખીન એવા વી. પી. સિંહે એક ખતરનાક દાવ રમ્યો.

મંડળ કમિશનની આગે દેશને ભડકે બાળ્યો

વી. પી. સિંહે મંડલ કમિશનનો રિપોર્ટ લાગુ કર્યો, જેમાં ઓબીસીને સરકારી નોકરીઓમાં 27 ટકા અનામત આપવાની જાહેરાત હતી. મંડલ કમિશને સરકારી નોકરીઓમાં અન્ય પછાત વર્ગ (OBC)ના લોકોને 27 ટકા અનામતની ભલામણ કરી હતી. વી. પી. સિંહના મંડલ કમિશને દેશમાં આગ લગાડી દીધી. દેશ ભડકે બળ્યો. દેશ વર્ગવિગ્રહમાં ધકેલાઇ ગયો. બીજી તરફ ભાજપે રામમંદિરના મુદ્દે દેશમાં આંદોલન શરૂ કર્યું હતું. 25 સપ્ટેમ્બર, 1990ના રોજ લાલકૃષ્ણ અડવાણીએ સોમનાથથી અયોધ્યા સુધીની રથયાત્રાના શ્રીગણેશ કર્યા.

બિહારમાં અડવાણીની રથયાત્રા અટકાવાઈ અને અહીં વી. પી. સિંહને આપેલો ટેકો ભાજપે પાછો ખેંચી લીધો.
બિહારમાં અડવાણીની રથયાત્રા અટકાવાઈ અને અહીં વી. પી. સિંહને આપેલો ટેકો ભાજપે પાછો ખેંચી લીધો.

 

રથયાત્રા અટકાવાઈ અને ભાજપે ટેકો પાછો ખેંચ્યો

તારીખઃ 23 ઓક્ટોબર,1990
અડવાણીનો રથ બિહારના સમસ્તીપુર પહોંચે છે, જ્યાં તત્કાલીન મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવના આદેશથી રથયાત્રાને રોકવામાં આવે છે અને અડવાણીની ધરપકડ કરવામાં આવે છે. આ કારણે વીફરેલી બીજેપી વી. પી. સિંહને આપેલો ટેકો પાછો ખેંચી લે છે. વી. પી. સિંહની સરકાર લઘુમતીમાં આવી જાય છે. વિશ્વાસ મત મેળવવામાં નિષ્ફળ નીવડેલી વી. પી. સિંહની સરકાર પડી ભાંગે છે.

ચંદ્રશેખર કોંગ્રેસના ટેકાથી વડાપ્રધાન બન્યા

કોંગ્રેસ પાસે 197 બેઠક હોવાથી, તત્કાલીન રાષ્ટ્રપતિ આર. વેંકટરામને રાજીવ ગાંધીને સરકાર રચવા આમંત્રણ આપ્યું, પરંતુ પાસે પૂરતી બેઠકો ન હોવાના કારણે તેમણે ના પાડી દીધી. હવે ચંદ્રશેખરનો પ્રવેશ થાય છે. જય પ્રકાશ નારાયણ, આચાર્ય નરેન્દ્ર દેવ અને રામ મનોહર લોહિયા જેવા દિગ્ગજ સમાજવાદીઓના આશ્રય હેઠળ રાજકીય કારકિર્દીની શરૂઆત કરનાર ચંદ્રશેખર કોંગ્રેસમાં જોડાયા હતા. ઇમર્જન્સીના મુદ્દે સમાજવાદી પાર્ટીમાં જોડાયા. ચંદ્રશેખરે રાજીવ ગાંધીને મળીને કોંગ્રેસના સમર્થનથી સરકાર બનાવી અને આ રીતે દેશના આઠમા વડાપ્રધાન બન્યા. ચંદ્રશેખરની સરકાર કોંગ્રેસની દયાદૃષ્ટિ પર ટકેલી હતી. એ દિવસોમાં અમેરિકાએ ગલ્ફ વોર શરૂ કર્યું હતું. કોંગ્રેસની નારાજગી છતાં ચંદ્રશેખર સરકારે અમેરિકન યુદ્ધ જહાજોને ભારતમાં તેલ ભરવાની પરવાનગી આપી. બળતામાં ઘી હોમતી એક ઘટના એવી બની કે એક દિવસ સાદાં કપડાંમાં હરિયાણા પોલીસના બે કોન્સ્ટેબલ રાજીવ ગાંધીના ઘરની બહારથી ઝડપાઈ ગયા. જાસૂસી કરવાના આરોપસર કોંગ્રેસે હોબાળો મચાવ્યો અને સરકારમાંથી ટેકો પાછો ખેંચી લીધો. સરકાર પડી. રાષ્ટ્રપતિ પાસે ફરીથી ચૂંટણી કરાવવા સિવાય કોઈ વિકલ્પ નહોતો.

1991ની ચૂંટણી

આ ચૂંટણી રસપ્રદ હતી. કોંગ્રેસ 232 બેઠક જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઊભરી આવી હતી. રાજીવ ગાંધીની રાજકીય હત્યાએ કોંગ્રેસ અને ગાંધી પરિવાર પ્રત્યે સહાનુભૂતિની લહેર ઊભી કરી હતી. ભાજપ 119 બેઠક સાથે બીજા ક્રમે રહી. જનતા દળને 59, CPMને 35, CPIને 14, AIADMKને 11 અને તેલુગુ દેશમ પાર્ટીને 13 બેઠક મળી હતી. અપક્ષ અને અન્યને 38 બેઠક મળી હતી. રાજીવ ગાંધીના નિધન બાદ કોંગ્રેસ અગ્રણીઓએ સોનિયા ગાંધીને રાજકારણમાં આવવા આગ્રહ કર્યો, પણ સોનિયાએ રાજકારણમાં આવવાની સાફ ના પાડી. ત્યાર બાદ એક વ્યક્તિ રાષ્ટ્રીય સ્તરે ઊભરી આવી અને વડાપ્રધાન બની. એ હતા: પી.વી. નરસિમ્હા રાવ.

1996થી 1998: તેર દિવસમાં સરકાર પડવાથી માંડીને એક મત માટે સરકાર પડવા સુધી

એપ્રિલ-મે 1996ની લોકસભા ચૂંટણીમાં કોઇપણ પાર્ટીને બહુમતી મળી નહીં. લોકસભાની બેઠકોમાંથી 161 બેઠક અંકે કરીને BJP સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બનીને ઊભરી. આ ચૂંટણીમાં તેને પહેલીવાર કોંગ્રેસ કરતાં વધારે બેઠકો મળી હતી. જોકે તેની પાસે બહુમતી સાબિત કરવા માટે સાંસદો ખૂટતા હતા. ભાજપ પછી બીજી પાર્ટી હતી કોંગ્રેસ, જેને 140 બેઠકો મળી હતી. કોંગ્રેસથી છેડો ફાડીને અલગ જૂથો બન્યાં હતાં, જેમાં એન.ડી. તિવારીની ઓલ ઇન્ડિયા ઇન્દિરા કોંગ્રેસ (તિવારી), માધવરાવ સિંધિયાની મધ્યપ્રદેશ વિકાસ કોંગ્રેસ, જી.કે. મૂપનારની તમિળ મનિલા કોંગ્રેસ પણ સામેલ હતી. આ લોકસભા ચૂંટણીમાં મહત્તમ બેઠકો ક્ષેત્રિય પાર્ટીઓને મળી હતી. 543માંથી 129 બેઠક પર ક્ષેત્રિય દળોની જીત થઇ હતી. કોઇપણ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળવાને કારણે વિટંબણા ઊભી થઇ. રાષ્ટ્રપતિએ સૌથી મોટા દળ તરીકે ઊભરેલી ભારતીય જનતા પાર્ટીને સરકાર બનાવવા આમંત્રણ આપ્યું.

જો ત્રીજો મોરચો બનશે તો કોંગ્રેસ ટેકો આપશે

ભાજપની સામેના મોરચામાંથી પણ સરકાર બનાવવાના પ્રયાસો પુરજોશમાં હતા. જનતા દળ લોકસભામાં ત્રીજા સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવ્યો હતો, જેના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલુ યાદવ હતા. કોંગ્રેસના નેતાઓએ ખાતરી આપી કે જો ત્રીજો મોરચો બનશે તો કોંગ્રેસ એને બિનશરતી સમર્થન આપશે. તેલુગુ દેશમ (નાયડુ જૂથ), એસપી, તમિળ મનીલા કોંગ્રેસ, DMK, AGP વગેરે જેવા પક્ષો ભેગા થયા. જનતા દળ પહેલેથી જ સાથે હતું. જનતા દળ સૌથી મોટું હોવાથી તમામ પક્ષોએ સર્વસંમતિથી જનતા દળના નેતા અને પૂર્વ વડાપ્રધાન વી. પી. સિંહને નેતા બનાવવા અંગે મંજૂરીની મહોર મારી. સૌકોઈ પહોંચ્યા વી. પી. સિંહના નિવાસસ્થાને, પણ સંયુક્ત મોરચાના સૌથી મોટા ઘટક જનતા દળના નેતા વી. પી. સિંહે તો વડાપ્રધાન બનવાનો ઇનકાર કરી દીધો.

જ્યોતિ બસુની પાર્ટીની જ નારાજગી

જનતા દળની બીજી સમસ્યા એ હતી કે એ સમયે જનતા દળના બીજા સૌથી વરિષ્ઠ નેતા (વી.પી. પછી) પ્રોફેસર મધુ દંડવતે રાજાપુરમાં શિવસેનાના સુરેશ પ્રભુ પાસેથી લોકસભા ચૂંટણી હારી ગયા હતા. આખરે વી. પી. સિંહની સલાહથી બંગાળના મુખ્યમંત્રી જ્યોતિ બસુને વડાપ્રધાન બનાવવાનો નિર્ણય લેવાયો. જ્યોતિ બસુ 23 વર્ષ સુધી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી હતા. જ્યોતિ બસુના નામ પર તમામ પક્ષોના નેતાઓ સર્વસંમતિથી સંમત થયા હતા, પણ CPM પાર્ટીએ વૈચારિક કારણોસર જ્યોતિ બસુના વડાપ્રધાન બનાવવાના પ્રસ્તાવને ફગાવી દીધો.

જ્યોતિબસુનું નામ PM માટે નક્કી હતું, પણ તેમની જ પાર્ટીએ ગ્રીન સિગ્નલ ન આપ્યું એટલે તેમણે એચ.ડી. દેવગૌડાનું નામ સૂચવ્યું, જેઓ પછીથી ભારતના વડાપ્રધાન બન્યા.
જ્યોતિબસુનું નામ PM માટે નક્કી હતું, પણ તેમની જ પાર્ટીએ ગ્રીન સિગ્નલ ન આપ્યું એટલે
તેમણે એચ.ડી. દેવગૌડાનું નામ સૂચવ્યું, જેઓ પછીથી ભારતના વડાપ્રધાન બન્યા.

 

13 દિવસમાં વાજપેયી સરકાર પડી ગઈ

જ્યોતિ બસુને વડાપ્રધાન બનાવવાના પ્રયાસો આખા બે દિવસ સુધી ચાલુ રહ્યા, પરંતુ તેમની પોતાની પાર્ટી તેમના માટે અડચણ બનીને ઊભી રહી. જ્યોતિ બસુએ દેવેગૌડાનું નામ સૂચવ્યું. દેવગૌડાની બાયોગ્રાફીમાં લખાયું છે એ પ્રમાણે તેમણે જયોતિ બસુને હાથ જોડીને વિનંતી કરી હતી કે પોતાને કર્ણાટકના મુખ્યમંત્રી જ રહેવા દેવામાં આવે. જોકે જ્યોતિ બસુએ દેવેગૌડાનું નામ જ પી.એમ. તરીકે ફાઇનલ રાખ્યું હતું.

યુનાઈટેડ ફ્રન્ટના નેતાઓએ રાષ્ટ્રપતિને દેવેગૌડાને નેતા તરીકે ચૂંટાયા વિશે જાણ કરી અને સરકાર બનાવવાનો દાવો કર્યો, પરંતુ કોંગ્રેસ તરફથી દેવેગૌડાને સમર્થનનો પત્ર રાષ્ટ્રપતિ ભવન પહોંચવામાં વિલંબ થયો, એટલે રાષ્ટ્રપતિ શંકર દયાલ શર્માએ સૌથી મોટી પાર્ટીના નેતા અટલ બિહારી વાજપેયીને સરકાર બનાવવા આમંત્રણ આપ્યું. વાજપેયી સરકારે 16મી મે,1998ના રોજ શપથ લીધા, પરંતુ આ સરકાર બહુમતી સાબિત ન કરી શકવાના કારણસર 13 દિવસમાં જ પડી ગઈ. આ પછી, 1 જૂન, 1996 ના રોજ એચ.ડી. દેવગૌડા દેશના 11મા વડાપ્રધાન બન્યા.

લાલુપ્રસાદ યાદવ બન્યા કિંગમેકર

દેવેગૌડાને વડાપ્રધાન બનાવવામાં લાલુપ્રસાદ યાદવે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. લાલુપ્રસાદ યાદવના ઘણા સાંસદ બિહારમાંથી ચૂંટાયા હતા. લાલુ એ સમયે પોતાને કિંગમેકર કહેવા લાગ્યા હતા. લાલુ ઓટોબાયોગ્રાફી ‘ગોપાલગંજ ટુ રાયસીનાઃ માય પોલિટિકલ જર્ની’માં લખે છે કે ‘જનતા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે હું કિંગમેકરની ભૂમિકા ભજવતો હતો. મેં કર્ણાટકના મુખ્યમંત્રી એચ.ડી. દેવગૌડાના નામનો વડાપ્રધાન તરીકે પ્રસ્તાવ મૂક્યો હતો. કોંગ્રેસ અને ડાબેરી પક્ષોએ મારી પસંદગીને સમર્થન આપ્યું હતું’

NDAનું ગઠન, વાજપેયીએ બીજી વાર સુકાન સંભાળ્યું, પણ..

દેવગૌડાના કાર્યકાળમાં વિદેશમંત્રી રહેલા ઇન્દ્રકુમાર ગુજરાલે પછી વડાપ્રધાન પદ તરીકે શપથ લીધા. કોંગ્રેસ આ સરકારને બહારથી ટેકો આપી રહી હતી. આ સરકાર માત્ર અગિયાર મહિના જ ટકી પછી આ સરકાર પણ પડી ગઇ. 1998માં દેશમાં મધ્યવર્તી ચૂંટણી યોજવી પડી. 1998માં એકવાર ફરી અટલ બિહારી વાજપેયી પ્રધાનમંત્રી બન્યા, એટલે કે NDAની સરકાર બની. NDAની રચના મે 1998માં થઈ હતી અને તેના પ્રથમ કન્વીનર જ્યોર્જ ફર્નાન્ડિસ હતા. જ્યોર્જ ફર્નાન્ડિસ પછી શરદ યાદવને તેના કન્વીનર બનાવવામાં આવ્યા. ભાજપની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન NDAની બે સરકાર બની, જેમાં ભાજપની સાથે AIADMK, BJD, અકાલી દળ, શિવસેના, TMC અને PMK જેવી પાર્ટીઓ હતી.

જયલલિતાએ ટેકો પાછો ખેંચી લીધો, વાજપેયી સરકાર પડી ભાંગી

1998માં વડાપ્રધાન તરીકે વાજપેયી સરકારની સૌથી મોટી કઠણાઇ એ હતી કે તેમની સરકારને ક્યારેય હનિમૂન પિરિયડ ન મળ્યો. શક્તિ સિન્હા, જેમણે ‘વાજપેયીઃ ધ યર્સ ધેટ ચેન્જ્ડ ઈન્ડિયા’ નામની બુક લખી છે, તેઓ કહે છે, ‘સૌથી પહેલા તો સરકાર બનાવવામાં ઘણી મુશ્કેલી હતી. સરકાર બની તોપણ પક્ષો વચ્ચે આંતરિક ખેંચતાણ શરૂ થઇ. દરેકની પોતાની માગો હતી. AIADMKના નેતા જયલલિતાએ માગ કરી કે તેમની સામેના તમામ કેસ પાછા ખેંચી લેવામાં આવે અને તામિલનાડુની કરુણાનિધિ સરકારને બરખાસ્ત કરવામાં આવે. આ સિવાય તેઓ સુબ્રહ્મણ્યમ સ્વામીને નાણામંત્રી બનાવવાનો પણ આગ્રહ કરી રહ્યાં હતાં. વાજપેયી આ માટે તૈયાર નહોતા. પરિણામે જયલલિતાએ સમર્થન પાછું ખેંચી લીધું અને 270ની સામે 269 એમ માત્ર એક જ વોટથી વાજપેયી સરકાર તેર જ મહિનામાં પડી ગઇ.’

જયલલિતાએ સમર્થન પરત ખેંચી લેતાં વાજપેયીની સરકાર તેર મહિનામાં જ પડી ગઈ.
જયલલિતાએ સમર્થન પરત ખેંચી લેતાં વાજપેયીની સરકાર તેર મહિનામાં જ પડી ગઈ.

 

‘સોનિયા ગાંધીને વડાપ્રધાન નહીં થવા દઉં’

સોનિયા ગાંધી રાષ્ટ્રપતિ નારાયણનને મળ્યાં હતાં અને દાવો કર્યો કે અમારી પાસે 272 સાંસદનું સમર્થન છે. એ જ સમયે મુલાયમ સિંહ યાદવે ફરી એકવાર જ્યોતિ બસુને વડાપ્રધાન બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો. 1996થી વિપરીત, આ વખતે CPM પણ તૈયાર હતી, પરંતુ આ વખતે કોંગ્રેસ અન્ય કોઈ પક્ષને નેતૃત્વ આપવા માટે રાજી ન હતી. મુલાયમ સિંહે કોંગ્રેસને સમર્થન આપવાનો સ્પષ્ટ નનૈયો ભણી દીધો.

લાલકૃષ્ણ અડવાણીએ પોતાની આત્મકથા ‘માય કન્ટ્રી, માય લાઈફ’માં લખ્યું છે કે ’21મી કે 22મી એપ્રિલની મોડીરાત્રે મને જ્યોર્જ ફર્નાન્ડિસનો ફોન આવ્યો હતો. તેમણે કહ્યું લાલજી, મારી પાસે તમારા માટે સારા સમાચાર છે. સોનિયા ગાંધી આગામી સરકાર નહીં બનાવી શકે. વિપક્ષના એક મોટા નેતા તમને મળવા માગે છે, પણ આ મિટિંગ ન તો તમારા ઘરે થઈ શકે કે ન મારા ઘરે.’

અડવાણી લખે છે, ‘એવું નક્કી થયું કે આ મુલાકાત જયા જેટલીના સુજાન સિંહ પાર્ક સ્થિત ઘરે યોજાશે. હું જયા જેટલીના ઘરે પહોંચ્યો તો મેં જોયું કે મુલાયમ સિંહ યાદવ અને જયોર્જ ફર્નાન્ડિઝે બેઠેલા છે. ફર્નાન્ડિઝે મને કહ્યું કે મારા દોસ્તે (મુલાયમ સિંહે) મને ખાતરી આપી છે કે તેમના 20 સાંસદ કોઇપણ રીતે સોનિયા ગાંધીને પ્રધાનમંત્રી તરીકે નહીં સમર્થન આપે. મુલાયમ સિંહ યાદવે ખુદ પણ આ વાત કહી. પણ મુલાયમ સિંહ યાદવે મને એ પણ કહ્યું હતું કે અડવાણીજી, મારી એક શરત છે. અમારી પાર્ટી સોનિયા ગાંધીને સરકાર બનાવવામાં ટેકો નહીં કરે, પણ તમારે એક વાયદો કરવો પડશે કે તમે પણ બીજીવાર સરકાર બનાવવાનો દાવો નહીં કરો. હું એમ ઇચ્છું છું કે બીજીવાર ચૂંટણી કરવામાં આવે.’

વાજપેયીની સરકાર પડી ભાંગ્યા બાદ સોનિયા ગાંધીએ સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો, પણ મુલાયમ સિંહ યાદવે ટેકો ન આપ્યો
વાજપેયીની સરકાર પડી ભાંગ્યા બાદ સોનિયા ગાંધીએ સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો, પણ મુલાયમ સિંહ યાદવે ટેકો ન આપ્યો

 

લોકસભાનું વિસર્જન થયું

NDAના ઘટકપક્ષો પણ ફરીથી સરકાર બનાવવાને બદલે મધ્યસત્ર ચૂંટણી યોજવાનો નિર્ણય કરી ચૂક્યા હતા. લોકસભાનું વિસર્જન થયું. 1999ની લોકસભા ચૂંટણીમાં ભાજપને 182 બેઠક મળી અને કોંગ્રેસને 114 બેઠક. 1999માં 13થી વધુ દળોના ગઠબંધન સાથે અટલ બિહારી વાજપેયી ત્રીજીવાર વડાપ્રધાન બન્યા. તારીખ 13 ઓકટોબર,1999ના રોજ વાજપેયીએ વડાપ્રધાન પદ તરીકે શપથ લીધા. તેઓ પહેલા એવા ગેરકોંગ્રેસી પ્રધાનમંત્રી હતા, જેમની સરકારે પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો હોય. આ દરમિયાન વાજપેયી સરકારે સીમાચિહ્નરૂપ નિર્ણયો લીધા, જેણે ભારતની રાજનીતિની દશા અને દિશા બદલી નાખી!

વાજપેયી એવા પ્રથમ ગેરકોંગ્રેસી પ્રધાનમંત્રી હતા, જેમણે બીજા પક્ષો સાથે ગઠબંધન સાધીને, જુદી જુદી વિચારધારાના પક્ષોને સાથે રાખીને પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો હોય
વાજપેયી એવા પ્રથમ ગેરકોંગ્રેસી પ્રધાનમંત્રી હતા, જેમણે બીજા પક્ષો સાથે ગઠબંધન સાધીને,
જુદી જુદી વિચારધારાના પક્ષોને સાથે રાખીને પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો હોય

 

NDAની સામે કોંગ્રેસનું UPA

2004ની ચૂંટણીનાં પરિણામે પણ સૌકોઇને વિચારતા કરી મૂક્યા હતા. ‘ઇન્ડિયા શાઇનિંગ’નો ચળકાટ ઝાંખો સાબિત થયો. ભાજપને મળી 138 બેઠક અને કોંગ્રેસને મળી 145 બેઠક. યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ એ 2004ની લોકસભા ચૂંટણી પહેલાં રચાયેલું ગઠબંધન છે, જેનું નેતૃત્વ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુનાઈટેડ ડેમોક્રેટિક એલાયન્સ (UPA)માં કોંગ્રેસની સાથે NCP, RJD, LJP, DMK, તૃણમૂલ, TRS જેવા પક્ષો સામેલ હતા. 2004ની સામાન્ય ચૂંટણીમાં UPAને 222 બેઠક મળી હતી. સોનિયા ગાંધીના વિદેશી મૂળના મુદ્દાએ તેમને વડાપ્રધાન બનતાં અટકાવ્યાં અને મે 2004માં ડૉ. મનમોહન સિંહે દેશના ચૌદમા વડાપ્રધાન તરીકે ચાર્જ સંભાળ્યો.

ડૉ. મનમોહન સિંહના વડપણ હેઠળ 2004-2009, 2009-2014 એમ બે ટર્મ સુધી UPA સરકારે સત્તા સંભાળી.
ડૉ. મનમોહન સિંહના વડપણ હેઠળ 2004-2009, 2009-2014 એમ બે ટર્મ સુધી UPA સરકારે સત્તા સંભાળી.

 

મનમોહન સિંહ સામે અવિશ્વાસ, ડાબેરીઓએ ટેકો પાછો ખેંચ્યો

UPA-1ના કાર્યકાળ દરમિયાન કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા, જેમાં મનરેગા, માહિતીનો અધિકાર (RTI), શિક્ષણનો મૂળભૂત અધિકાર (RTE) જેવા લોકલક્ષી નિર્ણયો લેવામાં આવ્યા હતા, પરંતુ મનમોહન સિંહને ભારત-અમેરિકા પરમાણુ કરાર દરમિયાન પ્રથમ વખત અવિશ્વાસનો સામનો કરવો પડ્યો. પરમાણુ કરાર દરમિયાન વિપક્ષો સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા. ડાબેરી પક્ષોએ સરકારમાંથી ટેકો પાછો ખેંચી લીધો. જોકે મનમોહન સિંહ સરકાર બચી ગઈ અને ભારત અને અમેરિકા વચ્ચે ઐતિહાસિક નાગરિક પરમાણુ કરાર પર હસ્તાક્ષર થયા.

અને હવે શું થશે?

2014ની લોકસભા ચૂંટણીએ કોંગ્રેસને બેકફૂટ પર લાવી દીધી. માત્ર 44 બેઠક. કોંગ્રેસના ઇતિહાસની સૌથી શરમજનક હાર. આની સામે ભાજપને મળી 282 બેઠક. ભાજપે પૂર્ણ બહુમતી સાથે નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ સરકાર બનાવી. 2019માં પણ ભાજપનો વિજયરથ યથાવત્ રહ્યો અને ફરી મોદી સરકાર બની. શરૂઆતમાં કહ્યું એમ હવે આ ત્રીજી ટર્મમાં સ્થિતિ જુદી છે. આ વખતે નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી NDAની સરકાર બનવા જઈ રહી છે. અત્યારસુધી નરેન્દ્ર મોદીએ પૂર્ણ બહુમતીને કારણે કોઇને ભાઇ-બાપા કર્યા વગર, કોઇ સમાધાન કે શરતો સ્વીકાર્યા વગર સરકાર ચલાવી છે. હવે વૈચારિક રીતે તદ્દન સામા છેડાના નાયડુ અને નીતિશને સાથે રાખીને સરકાર ચલાવવાની નોબત ઊભી થઇ છે. ત્યારે આ ‘અગ્નિ’પરીક્ષામાંથી નરેન્દ્ર મોદી કેવા ‘વીર’ સાબિત થાય છે એ તો સમય જ કહેશે…