National

કોણ બની શકે છે પીએમ મોદી ની કેબિનેટમાં મંત્રી

૩.૦ મોદી સરકાર

લોકસભા ચૂંટણી ૨૦૨૪ના પરિણામો બાદ એનડીએ ને બહુમતી મળ્યા પછી દેશમાં ફરી એકવાર મોદી સરકારની ખાતરી થઈ ગઈ છે. ભાજપના નેતૃત્વમાં એનડીએ ની સરકાર બનવા જઈ રહી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ૯ જૂન ના રોજ પીએમ મોદી ત્રીજી વખત વડાપ્રધાનના શપથ લેશે. ભાજપના નેતાઓથી લઈને ગઠબંધન પક્ષોના નેતાઓ પણ મોદી કેબિનેટનો હિસ્સો હોવાનો દાવો કરી રહ્યા છે.

મીડિયા રિપોટ્‌ર્સ અનુસાર, ઘણા નેતાઓએ મહત્વપૂર્ણ મંત્રાલયોની માગ કરી છે, જ્યારે ભાજપે મોટા મંત્રાલયો પોતાની પાસે રાખવાની ઓફર કરી છે. વડાપ્રધાન પદના શપથ લેતાની સાથે જ નરેન્દ્ર મોદી સતત ત્રણ વખત પીએમ બનવાના પંડિત નેહરુના રેકોર્ડની બરાબરી કરશે.

હાલ એનડીએના સાથી પક્ષો અને ભાજપના વરિષ્ઠ નેતાઓ વચ્ચે નવી સરકારમાં મંત્રાલયોની ફાળવણી અંગે ચર્ચા ચાલી રહી છે. જેડીયુ અને ટીડીપીએ કેટલાક મંત્રાલયોની માગ કરી હોવાનો સુત્રો દાવો કરી રહ્યા છે.બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાના ઘરે ભાજપના વરિષ્ઠ નેતાઓની બેઠક મળી હતી . જેમાં ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ હાજર હતા. નવી સરકાર અને કેબિનેટ અંગે ચર્ચા કરવા માટે આ બેઠક બોલાવવામાં આવી છે.

સાથી પક્ષો સાથે વાતચીત માટે રચાયેલી ભાજપના વરિષ્ઠ નેતાઓની સમિતિમાં અમિત શાહ અને રાજનાથ સિંહનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાથી પક્ષો સાથે વાતચીતનો એજન્ડા શું હોવો જોઈએ, તેમને કેબિનેટમાં કયા પ્રમાણમાં સ્થાન આપવું જોઈએ અને અપક્ષ સાંસદોને કેવી રીતે સ્થાન આપવું તે અંગે મહત્વની ચર્ચાઓ થઈ રહી છે. નડ્ડાના નિવાસસ્થાને ચાલી રહેલી આ બેઠકમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ)ના પદાધિકારીઓ દત્તાત્રેય હોસબાલે, સુરેશ સોની, અરૂણ કુમાર પણ હાજર હતા.

જેડીયુ પ્રમુખ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ૧૨ બેઠકો સાથે એનડીએનો ભાગ છે. આવી સ્થિતિમાં તેમણે ચાર મંત્રાલયોની માંગણી કરી છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, નીતિશ કુમારે રેલવે, ગ્રામીણ વિકાસ, જલ શક્તિ અને પરિવહન મંત્રાલયોની માંગણી કરી છે. તમને જણાવી દઈએ કે નીતીશ કુમાર અટલ બિહારી વાજપેયીની સરકારમાં રેલવે મંત્રી રહી ચૂક્યા છે. આ સાથે જ તેમણે બિહારના જળ સંકટને ઉકેલવા માટે જળ મંત્રાલયની પણ માંગ કરી છે તેમ સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે.

જ્યારે આંધ્ર પ્રદેશમાં ૧૬ લોકસભા બેઠકો જીતનાર ચંદ્રબાબુ નાયડુએ એનડીએને સમર્થન આપવા બદલ કેટલાક મંત્રાલયો પણ માંગ્યા છે. અહેવાલો અનુસાર ચંદ્રબાબુ નાયડુ અને જનસેના પાર્ટીના અધ્યક્ષ પવન કલ્યાણે પાંચ મંત્રાલયોની માંગણી કરી છે. આ યાદીમાં રોડ, પંચાયતી રાજ, આરોગ્ય અને શિક્ષણ મંત્રાલયનો સમાવેશ થાય છે.

આ સિવાય એવા પણ અહેવાલ છે કે કર્ણાટકના જેડીએસ નેતા એચડી કુમારસ્વામીએ પણ કૃષિ મંત્રાલયની માંગ ઉઠાવી છે. આ ઉપરાંત બિહારની ગયા લોકસભા બેઠક પરથી જીતેલા જીતન રામ માંઝીએ પણ એક મંત્રાલય માંગ્યું છે. જો કે, આ સમાચારની હજુ ઔપચારિક પુષ્ટિ થઈ નથી.

ગુરુવારે મળેલી બેઠક બાદ ભાજપે સહયોગી પક્ષોને ખાતા ફાળવણીને લઈને નવી ફોમ્ર્યુલા આપી છે. સુત્રોએ કહ્યું કે ૫ સાંસદો પર એક કેબિનેટ મંત્રીની ફોમ્ર્યુલા આપવામાં આવી છે. જો કે ભાજપે સ્પીકરપદ અંગે મોટો ર્નિણય લીધો છે અને ભાજપ સ્પીકરનું પદ ટીડીપીને આપવા માગતું નથી. શિવસેના-એલજેપીને મળી શકે છે ૨-૨ મંત્રાલય તેમ સૂત્રોએ જણાવ્યું હતું.