Sports

હૈદરાબાદના આક્રમણને ખાળવા માટે બેંગલોરે વિશેષ પ્રયાસ કરવા પડશે

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ૨૦૨૪ની ટી૨૦ ક્રિકેટ સિઝનમાં કોઈ ટીમે સૌથી વધારે આકર્ષણ પેદા કર્યું હોય તો તે સનરાઇઝર્સ હૈદરાબાદ છે અને તેણે અત્યાર સુધીમાં લગભગ તમામ હરીફો સામે વિશાળ સ્કોર અથવા તો ઝંઝાવાતી બેટિંગનો પરચો આપી દીધો છે. બુધવારે અહીં રમાનારી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે થશે. સાંજે ૭.૩૦ કલાકે મેચનો પ્રારંભ થશે.

સનરાઇઝર્સની ટીમ આ મેચમાં તેના હોમગ્રાઉન્ડ એટલે કે રાજીવ ગાંધી સ્ટેડિયમ, ઉપ્પલ ખાતે રમનારી છે. અગાઉ હરીફના મેદાન પર પણ જંગી સ્કોર ખડકનારી હૈદરાબાદની ટીમને આ વખતે તો પોતાના માનીતા સ્ટેડિયમ પર રમવાનું છે. હજી ગયા સપ્તાહે જ રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામેની મેચમાં હૈદરાબાદે ૨૮૭ રનનો સ્કોર ખડકીને વર્તમાન સિઝનમાં પોતે જ સ્થાપેલા આઇપીએલના સર્વોચ્ચ સ્કોરનો રેકોર્ડ તોડી નાખ્યો હતો.

આમ વર્તમાન સિઝનમાં સનરાઇઝર્સે બે વખત ૨૫૦નો સ્કોર વટાવ્યો છે. હે બુધવારે તેને બેંગલોર સામે રમવાનું છે ત્યારે હરીફની બોલિંગ તાકાત જાેતાં તે ફરી વાર આવો મોટો સ્કોર રજૂ કરે તેવી અપેક્ષા રખાઈ રહી છે. સનરાઇઝર્સ હૈદરાબાદે પહેલા મુંબઈ ઇન્ડિયન્સને શિકાર બનાવ્યું હતું. મુંબઈ સામે ૨૭૭ રનનો વિશાળ સ્કોર રજૂ કર્યા બાદ સનરાઇઝર્સે બેંગલોર સામે ૨૮૭ રન ખડક્યા હતા.

૨૦૧૬માં ચેમ્પિયન બનેલી હૈદરાબાદની ટીમ આ સિઝનમાં પ્લે ઓફ માટે રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સની માફક પ્રબળ દાવેદાર બની ગઈ છે. આ ઉપરાંત દિલ્હી કેપિટલ્સ સામે પણ હૈદરાબાદે આક્રમક રમત દાખવી હતી અને પાવરપ્લેમાં જ વિના વિકેટે ૧૨૫ રન ફટકારી દીધા હતા. તેનું અત્યારનું ફોર્મ જાેતાં એમ લાગે છે કે આ સિઝનમાં જ આ ટી૨૦ લીગમાં એકાદ વાર ૩૦૦ રનનો સ્કોર જાેવા મળી શકે છે.

રોયલ ચેલેન્જર્સ બેંગલોરની બોલિંગ એટલી પ્રભાવશાળી રહી નથી. તેની નબળી બોલિંગને કારણે બેંગલોર હાલમાં પોઇન્ટ ટેબલમાં દસમા ક્રમે છે. બેંગલોર માટે સૌથી વધુ વિકેટ લેનારો બોલર યશ દયાલ છે જે હાલમાં સાત વિકેટ સાથે ૨૪મા ક્રમે છે.

બેંગલોરે તેની છેલ્લી પાંચ મેચમાં ૧૮૦ જેટલા રન આપી દીધા છે. તેમાંય છેલ્લી બે મેચમાં તો તેણે ૨૦૦ જેટલા રન આપી દીધા છે. પોતાની બોલિંગની નબળાઈને ઠાંકવા માટે બેંગલોરના બેટ્‌સમેન આકરી મહેનત કરી રહ્યા છે.

વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસ બેટિંગ અને બોલિંગનું સંતુલન જાળવવા માટે આકરા પ્રયાસ કરી રહ્યા છે પરંતુ તેમને પર્યાપ્ત સફળતા મળતી નથી. હાલમાં બેંગલોર જે રીતે રમી રહ્યું છે તે જાેતાં કમસે કમ ૨૦૨૪ની સિઝન તો તેણે ભૂલી જ જવી પડશે. બેંગલોર તેની બાકી રહેલી તમામ છ મેચ જીતે તો પણ તે ૧૪ પોઇન્ટ સુધી પહોંચી શકે છે અને એટલા પોઇન્ટ તો અત્યારે રાજસ્થાન રોયલ્સ પાસે છે.