ગાંધીનગર જિલ્લામાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વાતાવરણમાં નોંધપાત્ર પલટો આવ્યો છે. સોમવારે સાંજથી શરૂ થયેલો વરસાદ બુધવાર સવાર સુધી યથાવત રહ્યો છે.
માણસા તાલુકામાં સૌથી વધુ 37 મિમી વરસાદ નોંધાયો છે. બુધવારે સવારે કલોલમાં 19 મિમી અને ગાંધીનગરમાં 3 મિમી વરસાદ વરસ્યો છે. સોમવારે રાત્રે મીનીવાવાઝોડા અને વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં અંધારપટ છવાયો હતો.
વાવોલ વિસ્તારમાં અઢી કલાક સુધી વીજળી ગુલ રહી હતી. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ધૂળની ડમરી અને વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. મંગળવારે દિવસ દરમિયાન ધૂપ-છાંવ વાળું વાતાવરણ રહ્યું હતું.
હાલમાં ગાંધીનગરમાં ભર ઉનાળામાં અષાઢી માહોલ જામ્યો છે. વાદળછાયા વાતાવરણને કારણે વિઝિબિલિટી ઘટી ગઈ છે. હવામાન વિભાગ મુજબ 73 ટકા ભેજની શક્યતા છે. મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ રહેવાની આગાહી છે.

