જામનગર જિલ્લામાં આજે સાંજે 4થી 8 કલાક દરમિયાન નાગરિક સંરક્ષણ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્દેશ અનુસાર આ મોકડ્રિલ યોજાઈ રહી છે. જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદી, DDO વિકલ્પ ભારદ્વાજ અને SP પ્રેમસુખ ડેલુએ મોકડ્રિલના આયોજન અંગે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી.
બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સમાં મોકડ્રિલની વિગતો જાહેર કરવામાં આવી હતી. મોકડ્રિલ દરમિયાન સાંજે 4 વાગ્યે સાયરન વાગશે. રાત્રે 8થી 8:30 દરમિયાન સમગ્ર જિલ્લામાં બ્લેકઆઉટ રહેશે. નાગરિકોને સ્વૈચ્છિક રીતે વીજ પુરવઠો બંધ રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે.
કલેક્ટર ઠક્કરે જણાવ્યું કે આ મોકડ્રિલનો મુખ્ય હેતુ કટોકટીની સ્થિતિમાં તંત્ર અને નાગરિકોની તત્પરતા ચકાસવાનો છે. સંભવિત હવાઈ હુમલા કે આગ જેવી સ્થિતિમાં બચાવ કામગીરી, ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવા અને ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરીનો અભ્યાસ કરાશે.
મ્યુનિસિપલ કમિશનર મોદીએ નાગરિકોને બ્લેકઆઉટ દરમિયાન ઘરના બલ્બ અને ટ્યૂબલાઈટ બંધ રાખવા અને બિનજરૂરી ભીડ ન કરવા અપીલ કરી છે. મોકડ્રિલ દરમિયાન ઈમરજન્સી સેવાઓ ચાલુ રહેશે. કલેક્ટરે નાગરિકોને ભયભીત ન થવા અને અફવાઓથી દૂર રહેવા જણાવ્યું છે.
પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ કહ્યું કે, જાહેર સલામતી માટે યોજાનાર મોક ડ્રિલ માટે પોલીસ તંત્ર સજ્જ છે. આ દરમિયાન લોકોએ ભયભીત થયા વિના તંત્રને સહયોગ આપવા તેઓએ અપીલ કરી પોલીસ તંત્રની તૈયારીઓ વિશેની વિગતો આપી હતી.વધુમાં તેઓએ કહ્યું કે પોલીસ વિભાગ દ્વારા વિવિધ ટીમો બનાવાઈ છે જે લોકોને જાગૃત કરશે.સાથે જ મોકડ્રિલ અંગેની માર્ગદર્શિકાનું પાલન થાય તે માટે ડ્રોન સહિતના સંસાધનો વડે ચકાસણી પણ હાથ ધરાશે તેમ જણાવ્યું હતું.
નાગરિક સંરક્ષણ તાલીમ અંતર્ગત નિમ્ન બાબતો પર મોકડ્રિલ થશે
- 1. હવાઈ હુમલા દરમિયાન નાગરિકોને ચેતવણી આપવા માટે સાયરન વગાડવું.
- 2. નાગરિકો, વિદ્યાર્થીઓ વગેરેને દુશ્મન દેશ દ્વારા હુમલાના કિસ્સામાં સ્વ બચાવ અને સલામતીના ધોરણો અપનાવવા માટે તાલીમ પ્રદાન કરવી.
- 3. હુમલાના કિસ્સામાં કેવી રીતે બચવું? તેના પગલાં વિશે લોકોને માહિતી અને તાલીમ આપવી.
- 4. યુદ્ધના સમયે મહત્વના સ્થળો/સ્થાપત્યોને હુમલાથી બચાવવાનો પ્રયાસ કરવો અને તેના માટે તાલીમ આપવી.
- 5. હુમલાના કિસ્સામાં ઈવેક્યુએશન પ્લાનનો અમલ અને રિહર્સલ કરવા.

