Gujarat

ડેન્ગ્યુના 2, ઝાડા-ઊલટી, તાવ,શરદીના 1937 કેસ નોંધાયા

રાજકોટ શહેરમાં ઠંડી અને લગ્નગાળાની પૂરબહાર મોસમ વચ્ચે રોગચાળો પણ ચિંતાજક હદે વકર્યો છે. સરકારી અને ખાનગી દવાખાનામાં દર્દીઓની કતારો લાગતી જોવા મળી રહી છે. ગત સપ્તાહે મચ્છરજન્ય રોગચાળાના એકપણ કેસ ન નોંધાયા બાદ છેલ્લા સપ્તાહમાં ચિકનગુનિયાના 1 અને ડેન્ગ્યુના 2 કેસ સરકારી દવાખાનામાં નોંધાયા છે.

આ ઉપરાંત ઝાડા-ઊલટી, તાવ, શરદી-ઉધરસના 1937 જેટલા કેસ નોંધાયા છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીએ જાહેર કરેલા આંકડા મુજબ તા.20થી 26 વચ્ચે શહેરમાં ડેન્ગ્યુના 2, ચિકનગુનિયાના 1, શરદી-ઉધરસના 946, ઝાડા-ઊલટીના 159, તાવના 829 અને ટાઇફોઇડના 3 કેસ મળીને કુલ 1937 કેસ નોંધાયા છે.

જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.20થી 26 દરમિયાન પોરાનાશક કામગીરી હેઠળ 32,541 ઘરમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી છે તથા ફિલ્ડવર્કરો દ્વારા 1060 ઘરમાં ફોગિંગ કામગીરી કરેલ છે. મચ્છર ઉત્પત્તિ સબબ રહેણાકમાં 250 અને કોમર્સિયલ 93 આસામીને નોટિસ આ૫વામાં આવી છે.