નડિયાદના પ્રસિદ્ધ સંતરામ મંદિરમાં 194મા સમાધિ મહોત્સવની ભવ્ય ઉજવણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. 1થી 12 ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર આ મહોત્સવમાં વિશ્વવંદનીય સંત મોરારિબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે.
મહંત રામદાસજી મહારાજની નિશ્રામાં યોજાનાર આ મહોત્સવમાં મહંત નારાયણદાસજી મહારાજની પૂણ્ય દ્વિદશાબ્દી, સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ અને સાક્ષર ગોવર્ધનરામ ત્રિપાઠીની 170મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવશે. 1થી 9 ફેબ્રુઆરી દરમિયાન રોજ સવારે 10થી 1 વાગ્યા સુધી મોરારિબાપુની રામકથા યોજાશે.
કથા ઉદ્ઘાટન પ્રસંગે રામજન્મભૂમિ ટ્રસ્ટના ખજાનચી ગોવિંદગીરીજી મહારાજ સહિત અનેક નામાંકિત સંતો ઉપસ્થિત રહેશે. આ અવસરે મહંત રામદાસજી મહારાજ રચિત ‘શ્રી યોગીરાજ માનસ ગ્રંથ’નું લોકાર્પણ થશે, જે 1034 દુહા-ચોપાઈ અને 11000 પંક્તિઓનું મહાકાવ્ય છે. વિશેષ આકર્ષણ તરીકે ‘ત્રિવેણી’ નામે કથાકારોનું સ્નેહમિલન યોજાશે, જેમાં 250થી વધુ કથાકારો ભાગ લેશે.
20 વર્ષ બાદ પ્રથમવાર યોજાઈ રહેલા આ સ્નેહમિલનમાં દરરોજ સાંજે 4:30થી 6:30 દરમિયાન સંતો-કથાકારોના વ્યાખ્યાન યોજાશે. વધુમાં, સંતરામ મંદિરને તેની 54 સેવાકીય પ્રવૃત્તિઓ માટે યુએસએની વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઈઝેશન તરફથી વર્લ્ડ અમેઝિંગ પ્લેસનો વૈશ્વિક એવોર્ડ એનાયત કરવામાં આવશે.
આ સમગ્ર ઉત્સવમાં ગોવિંદગીરીજી મહારાજ ઉપરાંત વિતરાગ તપસ્વી કલ્યાણદાસજી મહારાજ (અમરકંટક), રમેશભાઈ ઓઝા, દ્વારકેશલાલજી મહારાજ (વડોદરા), માધવપ્રિયદાસજી (SGVP ગુરુકૂળ), અણદાબાબા આશ્રમ, જામનગરના દેવપ્રસાદજી મહારાજ, મુંબઈથી ભાગવતકથાકાર ભુપેન્દ્રભાઈ પંડયા તથા મોરબીથી કનકેશ્વરી દેવી વગેરે પણ આ પ્રસંગે પોતાના શુભાશીર્વાદ પાઠવશે.
આ પ્રસંગે 17થી 25 જાન્યુઆરી દરમ્યાન દરરોજ સવારે 8થી 12 કલાકે મંદિરના સભામંડપમાં નવલરામજી મહારાજ અને સંતવૃંદ-વૃંદાવન દ્વારા શ્રીરામચરિતમાનસ નવ્હાન પારાયણ યોજાશે. જ્યારે 26થી 28 જાન્યુઆરી દરમ્યાન શ્રી સંતરામ મંદિરના સભાખંડ ખાતે દરરોજ સાંજે 4: 30 વાગે પદગાન સત્સંગનો વિશિષ્ટ ઉપક્રમ યોજાશે.
વળી 29,30,31 જાન્યુઆરી, દરમ્યાન દરરોજ સાંજે 4:30 થી 6:30 કલાકે સોનીપત, હરિયાણાના ઓશો અનુજ સ્વામી શૈલેન્દ્ર સરસ્વતી અને તેમના જીવનસંગીની મા અમૃતપ્રિયાજી દ્વારા ધ્યાનશિબિર- પ્રવચનમાળા યોજાશે. જેમાં લક્ષ્મણદાસજી મહારાજ રચિત સંતરામ મહાઆરતી વિશે વક્તવ્ય થશે.
આ પ્રવચનમાળા સંતરામ મંદિરના સમાધિચોકમાં યોજાશે. આ ઉપરાંત 11 ફેબ્રુઆરીએ સવારે 7 કલાકે શ્રી સંતરામ સમાધિ સ્થાને સમૂહમાં શ્રી ગુરૂપાદુકા પૂજનનો મંગળ પ્રસંગ યોજાશે. છેલ્લે 12 ફેબ્રુઆરીએ મહાસુદ પૂનમે સાંજે 6 કલાકે મંદિર પરિસરમાં મહાદિવ્ય આરતી અને સાકરવર્ષા યોજાશે.