મહુધા તાલુકાના મહિસા ગામની પોસ્ટ ઓફિસમાં પોસ્ટમાસ્તર દ્વારા સરકારી નાણાંની ઉચાપત કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કપડવંજની પોસ્ટલ કોલોનીમાં રહેતા ભરત ભુરસિંહ પલાસે પોસ્ટમાસ્તર તરીકે ફરજ દરમિયાન ઓગસ્ટ 2022થી એપ્રિલ 2024 સુધીમાં કુલ ₹2.30 લાખની સરકારી સિલકમાંથી ₹1.94 લાખની રકમ પોતાના અંગત ઉપયોગ માટે વાપરી નાખી હતી.
24 એપ્રિલ 2024ના રોજ પોસ્ટલ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ અચાનક મુલાકાત લેતા આ ગોટાળો બહાર આવ્યો હતો. જોકે, તપાસ પહેલા જ આરોપી પોસ્ટમાસ્તરે ઉચાપત કરેલી તમામ રકમ પરત જમા કરાવી દીધી હતી. આમ છતાં, સરકારી નાણાંની ઉચાપત અને ફરજમાં ગંભીર બેદરકારી બદલ તેમને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે.
ખેડા સબ ડિવિઝનલ ઇન્સ્પેક્ટર વિનુભાઈ ભરવાડે આ મામલે મહુધા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ભરત પલાસ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટના સરકારી કર્મચારીઓની પ્રામાણિકતા અને જવાબદારી સામે પ્રશ્નો ઉભા કરે છે.

