Gujarat

200 હેક્ટર જમીન જળબંબાકાર, 3000 લોકોની અવરજવર પ્રભાવિત, પાણી નિકાલની વ્યવસ્થા માટે રજૂઆત

થરાદ તાલુકાના નાગલા ગામમાં નર્મદા કેનાલના સીપેજ અને વરસાદી પાણીએ ગંભીર સ્થિતિ સર્જી છે.

2015-17થી નર્મદા કેનાલમાંથી સતત થતા સીપેજને કારણે જમીનનું તળ નબળું પડ્યું છે.

સરદાર સરોવર નર્મદા નિગમ તરફથી વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી છેલ્લા દસ વર્ષથી ગામતળ અને 200 હેક્ટર ખેતીલાયક જમીન છ-છ મહિના સુધી જળબંબાકાર રહે છે. ચાલુ વર્ષના વરસાદે પરિસ્થિતિ વધુ બિકટ બનાવી છે.

ગામતળ અને આજુબાજુના સિમતળ વિસ્તારમાં પાણી ભરાવાથી આવવા-જવાના રસ્તા બંધ થયા છે.

આ સમસ્યાથી ગામની 3000ની વસ્તી અને તેમના પશુધન પ્રભાવિત થયા છે. ગ્રામ પંચાયત અને સહકારી મંડળીની ઇમારતો પણ પાણીમાં ડૂબી ગઈ છે.

ગ્રામજનોએ સરપંચ સાથે મળી ધારાસભ્ય કાર્યાલય અને મામલતદારને રજૂઆત કરી છે.

તેમની માગણી છે કે સરદાર સરોવર નર્મદા વિભાગ, સિંચાઈ વિભાગ સહિતની વિવિધ સરકારી એજન્સીઓની ટીમો સ્થળ તપાસ કરે.

સાડા તેર કરોડના ખર્ચે મંજૂર થયેલ પાણી નિકાલ યોજના કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે અધૂરી છે.

ગ્રામજનોનું કહેવું છે કે જો કાયમી ધોરણે પાણી નિકાલની વ્યવસ્થા થાય તો ભવિષ્યમાં આવી સમસ્યાઓ ટાળી શકાય.

બાજુના ડોડગામમાં આવી વ્યવસ્થા થઈ ગઈ છે, પરંતુ નાગલામાં હજુ પણ કામ અધૂરું છે.