રાજ્યના વિદ્યાર્થીઓના સોનેરી ભાવિ માટે અનેકવિધ યોજનાઓનું સરકાર દ્વારા અમલીકરણ કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને વિદ્યાર્થીઓને પોતાનામાં રહેલા આવડત અને કૌશલ્યને સાચી દિશા મળે, તે માટે રાજકોટ જિલ્લાના હડાળા ગામની સરકારી માધ્યમિક શાળા ખાતે રાજકોટની પ્રાદેશિક માહિતી કચેરી દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના ધોરણ ૯ના આશરે ૭૦ વિદ્યાર્થીઓને કારકિર્દીલક્ષી જ્ઞાન પીરસાયું હતું.
પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટના માહિતી મદદનીશશ્રી રિધ્ધિબેન ત્રિવેદીએ વિદ્યાર્થીઓને પ્રશ્નો પૂછીને સંવાદ કર્યો હતો.
અને વિદ્યાર્થીઓની કારકિર્દીમાં માહિતી ખાતાની ઉપયોગિતા વિશે જાણકારી આપી હતી. વધુમાં તેઓએ, માહિતી ખાતાની કામગીરી તેમજ માહિતી ખાતા દ્વારા પ્રકાશિત થતા ગુજરાત પાક્ષિક, રોજગાર સમાચાર, કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક, દિપોત્સવી અંક અને અન્ય પ્રકીર્ણ સાહિત્ય અંગેની વિસ્તૃત માહિતી આપી હતી. અને બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાહિત્ય અંગે માર્ગદર્શન આપ્યું હતું. અને ત્રણેય સ્કુલ્સની લાઇબ્રેરીને સમૃદ્ધ બનાવવા પ્રકીર્ણ સાહિત્યની ભેટ આપી હતી.
આ તકે શાળાના આચાર્યશ્રી મનોજભાઈ ગોહિલ, સી.આર.સી. શ્રી રિયાઝ ચૌહાણ, બી.આર.પી.શ્રી ડિમ્પલબેન વાગડીયા, શાળાના શિક્ષકશ્રીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.