અંજારના રાયમલ ધામ આશ્રમ ખાતે ગૌરી ગૌશાળામાં ગૌ શક્તિ યોગ યજ્ઞ અનુષ્ઠાનના 27મા દિવસે વિશેષ કાર્યક્રમ યોજાયો.
ગાંધીધામના ગર્ભ સંસ્કાર કેન્દ્રના ભારતીબેન ધોકાઈના સહયોગથી સંચાલિકા વિરલબેન ખારેચા સાથે 35 સગર્ભા બહેનોએ પરિવાર સાથે ગૌમાતાનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કર્યું હતું.
આશ્રમના અધ્યક્ષ અને ભાગવત કથા વાચક જોશી ધનેશ્વર શાસ્ત્રીજી મહારાજે મહેમાનોનું સ્વાગત કર્યું.
માંડવીથી પધારેલા શાસ્ત્રી દિલીપભાઈ સેવકે 16 સંસ્કારમાં ગર્ભધાન સંસ્કાર અને ગૌ પૂજનનું મહત્વ સમજાવ્યું.
તેમણે જણાવ્યું કે હિન્દુ સંસ્કૃતિમાં ગૌ પૂજન ગર્ભ સંસ્કારને પવિત્ર બનાવે છે અને આવનાર સંતાન માટે સ્વાસ્થ્ય અને સુખના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

ગૌ ભક્ત દીપકભાઈ પટેલે સગર્ભા માતાઓને દેશી ગાયના દૂધના ફાયદા સમજાવ્યા. તેમણે જણાવ્યું કે દૂધ પીવાથી માતાનું સ્વાસ્થ્ય સારું રહે છે, છાસથી પાચન સુધરે છે.
ચાંદીના વાસણમાં જમાવેલું દહીં સવારે લેવાથી રૂપવાન સંતાન પ્રાપ્ત થાય છે. ગર્ભાવસ્થાના 6-7મા મહિને માખણ ખાવાથી બાળકના મગજનો વિકાસ થાય છે.
કાર્યક્રમમાં નારણભાઈ આહીર, શિવરામ મહારાજ, ભરતભાઈ જોષી, અરજણભાઈ આહીર, દેવકરણભાઈ માતા અને નવીનભાઈ આહીર સહિત આશ્રમના સેવક પરિવારનો વિશેષ સહયોગ રહ્યો.