Gujarat

50 જૂના ટાયરમાંથી બનાવ્યા બાળકો માટે રમકડાં અને વૃદ્ધો માટે બેઠક વ્યવસ્થા, માત્ર 5000નો ખર્ચ

પાટણ શહેરમાં નગરપાલિકાના સિટી મેનેજર અભિષેક પટેલે એક અનોખી પહેલ કરી છે. તેમણે વેસ્ટ ટુ વન્ડર પ્રોજેક્ટ અંતર્ગત જૂના ટાયરોમાંથી બાળકો અને વૃદ્ધો માટે ઉપયોગી 16 જેટલી વસ્તુઓ બનાવી છે. આ પ્રોજેક્ટ અધારા દરવાજા બહારના બગીચા અને આનંદ સરોવર બગીચામાં અમલમાં મૂકવામાં આવ્યો છે.

અભિષેક પટેલે પોતાની નિયમિત કામગીરી ઉપરાંત સાંજે અને મોડી રાત સુધી, તેમજ શનિ-રવિએ પણ આ પ્રોજેક્ટ પર કામ કર્યું છે. તેમણે 50 જૂના ટાયરોમાંથી 8 ટૂલ, બે બેન્ચ, બે ગાડી, બે જિરાફ અને બે કેટલી જેવી વસ્તુઓ બનાવી છે. આ સમગ્ર પ્રોજેક્ટનો ખર્ચ માત્ર રૂ. 5000 જેટલો આવ્યો છે, જે નગરપાલિકા દ્વારા ભોગવવામાં આવ્યો છે.

આ પ્રોજેક્ટની ખાસ વાત એ છે કે સિટી મેનેજરે આ વધારાની કામગીરી માટે કોઈ વળતર લીધું નથી. તેમણે નગરપાલિકાના ચીફ ઓફિસરની મંજૂરી લઈને આ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. આજે આ બંને બગીચાઓ બાળકો અને વૃદ્ધો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ પહેલ કચરામાંથી કંચન બનાવવાનું ઉત્તમ ઉદાહરણ બની રહી છે.