વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી રાજ્યમાં ચાલી રહેલા ‘કેચ ધ રેઈન’ અભિયાન અંતર્ગત વેરાવળમાં મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે.
આવતીકાલે 6 મેના રોજ મંગળવારે વેરાવળ તાલુકાના છાપરીથી બાઈક રેલી યોજાશે, જે ઈન્ડિયન રેયોન સુધી જશે જ્યાં દેવકા નદી સમુદ્રને મળે છે.

જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર, દેવકા નદીને પુનર્જીવિત કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. રેલીના પ્રારંભ સમયે સાંસદ રાજેશ ચુડાસમા સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.

દેવકા નદીમાં હાલમાં અવરોધો અને ઝાડી-ઝાંખરાને કારણે પાણીનો પ્રવાહ અટકી જાય છે. આ સમસ્યાના નિવારણ માટે નદીમાંથી કચરો દૂર કરવામાં આવશે. નદીને ઊંડી કરવામાં આવશે અને પ્રવાહને અવરોધતા દબાણો હટાવવામાં આવશે.

સદભાવના સંસ્થાના સહયોગથી નદી કિનારે વૃક્ષારોપણ કરવામાં આવશે. જ્યાં જગ્યા ઉપલબ્ધ છે, ત્યાં બગીચા બનાવવામાં આવશે.
બાંકડાઓ મૂકીને પર્યટન સ્થળ તરીકે વિકસાવવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જિલ્લા વહીવટીતંત્રે નાગરિકો અને સેવાભાવી સંસ્થાઓને રેલીમાં જોડાવા અપીલ કરી છે.


