શહેરના કોટ વિસ્તારમાં બનેલી ગંભીર ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે. સુમરા ડેલી નજીક જૂના સ્વામિનારાયણ મંદિર પાસે એક શેરી કૂતરાએ વિસ્ફોટક પદાર્થને ખોરાક સમજી આરોગતા તેના મોંમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં કૂતરાના જડબાના ચીંથરા ઉડી ગયા હતા જેનું કરુણ મોત થયું છે જેથી લોકોમાં નારાજગી સાથે ભારે આક્રોશ ફેલાઇ ગયો છે.
મંગળવારે બપોરના આ ઘટના બની હતી. આવા વિસ્ફોટક પદાર્થનો ઉપયોગ સામાન્ય રીતે પહાડી વિસ્તારોમાં ખડકો તોડવા અથવા ખેતરોમાં જંગલી પ્રાણીઓને ભગાડવા થાય છે. ખેતરમાં પાક નુકશાની માટે આવતા જંગલી સુવરને મારવા માટે આવા વિસ્ફોટક ઉપયોગમાં લેવાય છે દેખાવમાં ખોરાક જેવો લાગતો આ પદાર્થ વિસ્ફોટક જેવો હોય છે.શેરી કૂતરાએ આ પદાર્થ જેવો મોંમાં રાખ્યો તેમ વિસ્ફોટ થતા જડબુ ફાટી ગયું હતું.
ગંભીર રીતે ઘાયલ થયેલા શ્વાનને માધાપર સ્થિત ‘’’’પપી કડલ્સ’’’’ સંસ્થામાં સારવાર માટે ખસેડાયું હતું પણ તેનું કરુણ મોત થયું છે.વિસ્ફોટ એટલો ખતરનાક હતો કે જીભ પણ બચી ન હતી.આ ઘટનાએ સૌને હચમચાવી નાખ્યા છે બનાવની જાણ થતા લોકોએ નારાજગી વ્યક્ત કરી આવું કૃત્ય કરનારને સામે લાવી કડક સજા કરવાની માંગ દોહરાવી હતી.સ્થળ પર આવા 4 થી 5 વિસ્ફોટક હોવાનુ જાણવા મળ્યું છે.
આવા વિસ્ફોટક પદાર્થથી માનવીય જીવને જોખમ રહેલું છે, જેથી સુરક્ષા મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે યોગ્ય પગલાં લેવા જરૂરી છે.આ બાબતે જીવદયાપ્રેમીઓ પણ કાયદેસરની કાર્યવાહી કરવાના મુડમાં છે.
માણસ ને માણસાઈ અને સંવેદના જગાડવી પડશે !
થોડા સમય અગાઉ લખપત તાલુકાના દયાપર સહિતના વિસ્તારોમાં આવી ઘટના સામે આવી છે જેમાં વિસ્ફોટકથી ગાયના જડબા ફાટી ગયા હતા આ મામલે પોલીસ ફરિયાદ થઈ હતી પણ નક્કર પગલાં લેવાયા નથી.શ્વાનના મોં માં વિસ્ફોટની આ પહેલી ઘટના છે અગાઉ ભુજમાં શ્વાન સાથે રેપ,ગાંધીધામમા લાકડીથી માર મારી હત્યા નિપજાવવી સહિતના બનાવો બની ચૂક્યા છે કચ્છ પ્રદેશ સંવેદનશીલ અને સેવા માટે જાણીતો છે આ જિલ્લામાં આવી ઘટનાઓ ચિંતા પ્રેરે છે જેથી પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.

