રાજુલામાં 2500 લીટર લાઈટ ડીઝલ ઓઈલના જથ્થા સાથે એક શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. તેમની પાસેથી ઈલેકટ્રીક મોટર, પીકઅપ વાહન, બેરલ અને ટીપણા સહિત મળી રૂપિયા 5,32,000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સાવરકુંડલા મદદનીશ પોલીસ અધિક્ષક વલય વૈધના માર્ગદર્શન હેઠળ રાજુલાના પીઆઈ એ.ડી.ચાવડાની રાહબરી નીચે સર્વેલન્સ ટીમ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી.
તે દરમિયાન આગરીયા ગામથી આગળ વાવદડી ગામના પાટી પાસે પહોંચતા રાજકોટના પડધરી તાલુકાના રંગપર ગામે રહેતા સંજય જગદીશભાઈ ધાંગીયા એલડીઓ ( લાઈટ ડીઝલ ઓઈલ)નો જથ્થો લઈને પીકઅપ વાહનમાં પસાર થતો હતો.
પોલીસે તેમને ઝડપી લીધો હતો. તેમની પાસેથી રૂપિયા 1,25,000ની કિંમતનું 2500 લીટર ડીઝલ, રૂપિયા 5000 કિંમતની એક ઈલેક્ટ્રીક મોટર, રૂપિયા 2000ની કિંમતના 10 નંગ ટીપણા અને રૂપિયા 4,00,000ની કિંમતની પીકઅપ વાહન મળી કુલ રૂપિયા 5,32,000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.