Gujarat

ખેડાના BE મિકેનિકલ એન્જિનિયરે સ્ટ્રોબેરી-તરબૂચની ખેતીમાંથી મેળવ્યો 8 લાખનો નફો

ખેડા તાલુકાના સાંખેજ ગામના 32 વર્ષીય યુવા ખેડૂત શિવમ પટેલે પ્રાકૃતિક ખેતી દ્વારા સફળતાની નવી કેડી કંડારી છે. BE મિકેનિકલ સુધીનો અભ્યાસ કરનાર શિવમે રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવી છે. વર્ષ 2019માં સુભાષ પાલેકરની શિબિરમાંથી પ્રેરણા મેળવ્યા બાદ છેલ્લા 7 વર્ષથી તેઓ પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે.

ગત સિઝનમાં તેમણે તરબૂચ અને ટેટીના વાવેતરમાંથી 7થી 8 લાખ રૂપિયાની આવક મેળવી હતી. ચાલુ સિઝનમાં તેમણે બે વીઘામાં સ્ટ્રોબેરી અને આઠ વીઘામાં તરબૂચ-ટેટીનું વાવેતર કર્યું છે. બાગાયત વિભાગે તેમને મલ્ચિંગ અને સ્ટ્રોબેરી પાક માટે સહાય પણ મંજૂર કરી છે.

શિવમભાઈ હવે પોતાના ખેતરમાં જંગલ મોડેલ ફાર્મ વિકસાવવાની યોજના ધરાવે છે, જેના માટે દેશી ગાયોની ખરીદી કરવાનું આયોજન કર્યું છે. હાલમાં તેઓ ગૌશાળામાંથી જીવામૃત લાવીને ખેતીમાં ઉપયોગ કરે છે. તેમના મતે, સશક્ત ભારત બનાવવા માટે ઝેર મુક્ત ખેતી અનિવાર્ય છે અને યુવાનોએ પ્રાકૃતિક કૃષિ અપનાવવી જોઈએ. આ સફળ યુવા ખેડૂત પ્રાકૃતિક ખેતી દ્વારા આધુનિક ખેતીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.