આત્મા પ્રોજેક્ટ દ્વારા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત ગળતેશ્વર અને ઠાસરા તાલુકાના પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું ખેડૂત તાલીમ કેન્દ્ર ઠાસરા ખાતે આયોજન કરવામાં આવ્યું. જેમાં ખેતી સાથે સંકળાયેલ વિવિધ તજજ્ઞો દ્વારા પ્રાકૃતિક ખેતી વિશે માહિતી-માર્ગદર્શન આપી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અપીલ કરવામાં આવી હતી.
આ પ્રસંગે સંયુક્ત ખેતી નિયામક(વિ), અમદાવાદ એન.એમ. શુક્લ દ્વારા સરકારની યોજનાકીય લાભ વિશે માહિતી આપવામાં આવી હતી. ઇન્ચાર્જ આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર જે.જે ભટ્ટ દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું.

દેથલી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક કલ્પેશભાઈએ વૈજ્ઞાનિક અભિગમથી પ્રાકૃતિક ખેતી કરવા જણાવ્યું હતું. સાથે જ પ્રાકૃતિક કૃષિ ટ્રેનર સુરેશ નાયરે ખૂબ જ સરળ શૈલીમાં દેશી ગાયના મહત્વને ઊજાગર કર્યું હતું. તેમજ ભવાઈ કલાકારો દ્વારા પણ રમૂજ શૈલીમાં રાસાયણિક ખેતીના નુકશાન અને પ્રાકૃતિક ખેતીના લાભ વિશેની વાત રજૂ કરવામાં આવી હતી.

વધુમાં પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીમાં પોતાના સ્વાનુભવો રજુ કરી અન્ય લોકોને પણ આ પદ્ઘતિ અપનાવવા અપીલ કરી હતી.આ અવસરે પ્રગતિશીલ પ્રાકૃતિક ખેડૂતોને પ્રશસ્તીપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ અંતર્ગત ખેતીવાડી શાખા, આઈસીડીએસ, બીજ નિગમ લિમિટેડ, તાલુકા હેલ્થ ઓફિસ, આણંદ કૃષિ યુનિવર્સિટી અને વંદે ગો માતરમ્ તથા પ્રાકૃતિક કૃષિના ખેડૂતોનું સ્ટોલ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ગળતેશ્વર તાલુકા પંચાયત પ્રમુખ જયંતીભાઈ, સંયુક્ત ખેતી નિયામક એન.એમ. શુક્લ, જિલ્લા ખેતીવાડી અધિકારી ડી.એચ.રબારી, ઇન્ચાર્જ આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર જે.જે ભટ્ટ, અન્ય પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ, કિશાન સંઘના હોદ્દેદારો સહિત અંદાજીત 1000ની સંખ્યામાં ખેડૂત ભાઇ બહેનો જોડાયા હતા.
