નડિયાદ મહાનગરપાલિકાએ રેલવે સ્ટેશન નજીક 13 દુકાનો તોડી પાડ્યા બાદ શહેરના અન્ય વિસ્તારોમાં દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો છે. આ અસર હેઠળ વાણિયાવાડ જંકશન અને કોલેજ રોડ પરના લારી-ગલ્લા ધારકોએ મહાનગરપાલિકાની માત્ર મૌખિક સૂચનાથી જ પોતાના દબાણો દૂર કર્યા છે.
નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર જી.એચ.સોલંકી અને ડેપ્યુટી કમિશનરના માર્ગદર્શન હેઠળ શહેરને સ્વચ્છ રાખવાની મુહિમ શરૂ કરવામાં આવી છે. વાણિયાવાડ જંકશનથી ફતેપુરા માર્ગના કોર્નર અને કોલેજ રોડથી સિવિલ સુધીના વિસ્તારમાં અગાઉ મોટી સંખ્યામાં લારી-ગલ્લાનું દબાણ હતું, જે હવે દૂર થયું છે. ફૂટપાથ હવે રાહદારીઓ માટે ખુલ્લો થયો છે.

દબાણ શાખાના અધિકારી રાકેશ શર્માના જણાવ્યા મુજબ, 24 કલાક પહેલા આપેલી મૌખિક સૂચનાને કારણે દબાણકર્તાઓએ સ્વયં તેમની લારી-ગલ્લા હટાવી લીધા છે. જોકે, શહેરના કોલેજ રોડ, સંતરામ રોડ, મીલ રોડ, સ્ટેશન રોડ, પીજ રોડ અને પીપલગ રોડ સહિતના વિસ્તારોમાં આડેધડ વાહન પાર્કિંગની સમસ્યા હજુ પણ યથાવત છે, જે મહાનગરપાલિકા માટે મોટો પડકાર બની રહી છે.

જ્યારે શહેરમાં ગતરોજ 13 દુકાનોનું ડીમોલેશન થયું ત્યાં ફુટપાથ પર એકલદોકલ લોકો બેસી ગયા હતા. તેમજ નજીક આવેલ બસ સ્ટેન્ડ જવાના ખાંચા પાસે પહેલા બહારની બાજુ દબાણો હતા તે અમૂક દબાણ કર્તાઓ અંદર તરફ જતા રહ્યા છે. જોકે રોડ પર મનફાવે તે રીતે વાહન પાર્કિંગની સમસ્યા હજી પણ છે. જેથી રાહદારીઓ અને વાહનચાલકોને અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે.