કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલા ગુનેરી ગામને એક મોટી સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ, વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા તથા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના પ્રયાસોથી ગુનેરીના 32.78 હેક્ટર વિસ્તારને ગુજરાતની પ્રથમ ‘બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ’ તરીકે જાહેર કરવામાં આવ્યો છે.
આ વિસ્તારની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં અરબી સમુદ્રથી 45 કિલોમીટર અને કોરી ક્રીકથી 4 કિલોમીટર દૂર હોવા છતાં મેંગ્રૂવ વૃક્ષો જોવા મળે છે. સામાન્ય રીતે મેંગ્રૂવ દરિયાકિનારે, જ્યાં દરરોજ ભરતી-ઓટ આવે અને દલદલ હોય ત્યાં જ થાય છે. પરંતુ ગુનેરીમાં સપાટ જમીન પર, પાણી કે કીચડ વગર પણ મેંગ્રૂવનું જંગલ વિકસ્યું છે, જે એક અનોખી ઘટના છે.

ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ દ્વારા આ વિસ્તારના સંરક્ષણ અને સંવર્ધન માટે વિશેષ મેનેજમેન્ટ પ્લાન બનાવવામાં આવશે. આ યોજના હેઠળ અહીંના વનસ્પતિ અને પ્રાણીજગતનું જતન કરવામાં આવશે. સાથે જ સ્થાનિક લોકોના અધિકારોનું પણ સન્માન કરવામાં આવશે. વન વિભાગના કર્મચારીઓ, સ્થાનિક લોકો અને આદિવાસી સમુદાયને ખાસ તાલીમ આપવામાં આવશે જેથી તેઓ આ વિશિષ્ટ જૈવવિવિધતાનું સંરક્ષણ કરી શકે.