Gujarat

વસોના રૂણ કન્યા છાત્રાલયમાં શૈક્ષણિક પૂતળી ખેલ યોજાયો, 225 દીકરીઓ તેમજ વૃદ્ધાશ્રમના વડીલોએ ખેલ નિહાળ્યો

વસો તાલુકાના રૂણ ગામે નડિયાદના વાલ્લા પ્રાથમિક શાળાના શિક્ષક દ્વારા શૈક્ષણિક પૂતળી ખેલ યોજાયો હતો. બે વિષયોને આવરી આ શૈક્ષણિક પૂતળી ખેલ કરાયો હતો. સતત બે દાયકાઓથી નડિયાદ સહિત રાજ્યમાં આ શિક્ષક વિનામૂલ્યે શૈક્ષણિક પૂતળી ખેલ યોજી સમાજમાં જાગૃતિ લાવવા પ્રયાસ કરી રહ્યા છે.

વિશ્વ જ્યોત ટ્રસ્ટ સંચાલિત કન્યા છાત્રાલય રૂણ ખાતે દીકરીઓના લાભાર્થે શૈક્ષણિક પૂતળી ખેલની સફળ રજૂઆત કરાઈ છે. નડિયાદ તાલુકાની વાલ્લા પ્રાથમિક શાળાના ગાંધીવાદી શિક્ષક હિતેશકુમાર બ્રહ્મભટ્ટ છેલ્લા 21 વર્ષથી રાજ્યભરમાં ભૂલાતી લોકકલા સમા પૂતળી ખેલ વિનામૂલ્યે કરી રહ્યા છે.

તેઓ સાથે માતરના નિવૃત્ત બીઆરસી ગિરીશભાઈ પુરોહિત, જશવંતભાઈ પાટીલ, જયંતિભાઈ મકવાણા અને જાગૃત બ્રહ્મભટ્ટે બેટી બચાવો, બેટી પઢાવો, મહેનતની કિંમત જેવા વિષયના સરકારના અભિયાનને વેગવાન બનાવનાર ત્રણ પૂતળી ખેલની 225 દીકરીઓ તથા વૃદ્ધાશ્રમના 30 વડીલો સમક્ષ સફળ રજૂઆત કરી હતી. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ હરીભાઇ પટેલ ખાસ હાજર રહી કલાકારને સન્માની પ્રોત્સાહિત કર્યા હતા. દીકરીઓ પહેલી જ વાર જીવંત રૂપે પૂતળી ખેલ નિહાળી ખૂબ પ્રેરણા પામી હતી‌.‌