Gujarat

અયોધ્યા રામમંદિરમાં વર્ષ દરમિયાન થયેલા ઉત્સવોની ઝાંખી વિશેષ પાંચ પતંગો દ્વારા રજૂ કરાઈ

નડિયાદ શહેરના નવા બસ સ્ટેન્ડ પાસે 141 વર્ષ જૂનું શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર આવેલું છે. જેમાં દર શનિવારે અલગ અલગ પ્રકારના અવલોકિક શણગાર કરવામાં આવે છે અને સવારથી જ ભક્તો આ શણગાર દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં ઉમટી પડે છે. આ પ્રાચીન શ્રી ભીડભંજન હનુમાનજી મંદિરમાં ઉતરાયણ પર્વ અને અયોધ્યા રામ મંદિરની પ્રથમ વર્ષગાંઠની નિમિતે દાદાને અનોખા શણગાર કરાયો હતો.

મંદિરમાં દાદાને વિવિધ આકાર અને રંગોની નાની-મોટી પતંગોથી શણગારવામાં આવ્યા હતા, જેમાં ખાસ કરીને પાંચ વિશેષ પતંગો દ્વારા અયોધ્યા રામ મંદિરમાં વર્ષ દરમિયાન થયેલા ઉત્સવો અને શણગારની ઝાંખી કરાવવામાં આવી હતી. મંદિર પરિસર અને ગર્ભગૃહમાં ફિરકી, પીપૂડા જેવી ઉતરાયણની પરંપરાગત સામગ્રીથી સજાવટ કરાઈ હતી. વિશેષ રૂપે, અયોધ્યા રામ મંદિરની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી પણ કરવામાં આવી, જેમાં રામજીના વિવિધ પોસ્ટર્સ લગાવવામાં આવ્યા અને રામધૂન તથા હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવ્યું હતું. દર શનિવારની પરંપરા અનુસાર દાદાને મલિદો પણ ધરાવવામાં આવ્યો હતો.