પ્રભાસતીર્થમાં સોમનાથ મહાદેવના સાનિધ્યમાં અનોખી પહેલ શરૂ થઈ છે. હિરણ, કપિલા અને સરસ્વતી નદીના પવિત્ર સંગમ સ્થળે નિત્ય ‘સંગમ આરતી’નો પ્રારંભ થયો છે.
આ આરતી અરબી સમુદ્રના તટે તીર્થ પુરોહિતોના વૈદિક ઋચાઓના ગાન સાથે યોજાય છે.

ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાએ સંધ્યા સમયે આ મહાઆરતીમાં સહભાગી બની આધ્યાત્મિક અનુભૂતિ કરી હતી. આરતીમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.

રમેશભાઈ ઓઝાએ જણાવ્યું કે ભારત શ્રદ્ધાથી ભરેલો દેશ છે. સંધ્યા સમયે લોકો સમૂહમાં ત્રિવેણીના તટે આરતી કરે છે. તેઓ વિશ્વ કલ્યાણ માટે પ્રાર્થના કરે છે.
આરતીમાં પાંચ તત્વોનો સમન્વય થાય છે. ત્રિવેણી સંગમ ઘાટની આરતી વિશ્વને સનાતન ધર્મનો સંદેશ આપશે.

સોમપુરા તીર્થ પુરોહિત બ્રહ્મ સમાજ દ્વારા આ દિવ્ય આરતીનું આયોજન કરવામાં આવે છે. આ આયોજનથી અનોખી આધ્યાત્મિક ઊર્જાનું નિર્માણ થઈ રહ્યું છે.

કાર્યક્રમમાં સોમપુરા તીર્થ પુરોહિત બ્રહ્મ સમાજના પ્રમુખ હેમલ ભટ્ટ, ઉપપ્રમુખ જયવર્ધન જાની સહિત સમાજના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

