ખેડા જિલ્લા સહકારી માળખામાં દબદબો ધરાવતી ખેડા જિલ્લા સહકારી સંઘની સંચાલક મંડળના સભ્યોની ચૂંટણી આજે યોજાઈ છે. કુલ 13 બેઠક પૈકી 8 બેઠકો બિનહરીફ આવી હતી અને બાકીની 5 બેઠકો પર 12 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઈ રહી છે. માતર બેઠક પર ભાજપના પૂર્વ ધારાસભ્યએ અપક્ષ ઉમેદવારી નોંધાવતા આ ચૂંટણી રસપ્રદ બની છે.

ખેડા જિલ્લા સહકારી સંઘની આજે 4 જાન્યુઆરીના રોજ ચૂંટણી ચાલુ છે. ભૂતકાળમાં જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં તમામ બેઠકો મોટાભાગે બિનહરીફ જાહેર થતી હતી. જોકે સંઘમાં સભ્ય પદ મેળવવા માટે જિલ્લા ભાજપ મોવાડીયોમાં હોડ જામી હતી. તેમાં પણ વિભાગ-4ની 10 બેઠકો પર ભાજપ અગ્રણીઓ દ્વારા મોટા પ્રમાણમાં ઉમેદવારી નોંધાવી દેવામાં આવી હતી. જેથી ભાજપની સામે ભાજપનો જ ચૂંટણી જંગ રસપ્રદ બન્યો હતો.અગાઉ વિભાગ 1, વિભાગ 2, વિભાગ 3 અને વિભાગ-4ની ગળતેશ્વર બેઠક બિનહરીફ થઇ હતી.
આ બાદ જિલ્લા ભાજપ મોવડી મંડળ દ્વારા આદરેલ સમજાવટના પગલે વિભાગ-4માં વસો, મહેમદાવાદ, ઠાસરા અને ખેડા તાલુકાની બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી. આમ કુલ 13 બેઠકો પરથી 8 બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી.

જ્યારે ભાજપ મોવાડી મંડળના લાખ પ્રયત્નો પછી પણ વિભાગ-4ની નડિયાદ, મહુધા, માતર, કઠલાલ અને કપડવંજ બેઠક પર ચૂંટણી યોજાઈ રહી છે. આ પાંચ બેઠક પર કુલ 12 ઉમેદવારો વચ્ચે રસાકસી ભર્યો જંગ ખેલાઈ રહ્યો છે.
જેમાં નડિયાદ બેઠક પર સૌથી વધુ 3 ઉમેદવાર અને માતર બેઠક પર ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. જેથી આ બંને બેઠકો રસાકસી છે. નડિયાદ બેઠકની શ્રી છોટાલાલ વ્યાસ સહકારી વ્યવસ્થા કેન્દ્ર ખાતે તો અન્ય બેઠકોની તાલુકા મથકે આવેલ મામલતદાર કચેરીમાં સવારે 9થી બપોરે 2 કલાક સુધી ચૂંટણી પ્રક્રિયા બેલેટ પેપરથી હાથ ધરવામાં આવી છે.
અમૂલના ચેરમેન સહિત સહકારી અગ્રણીઓએ મતદાન કરવા મતદાન સ્થળે પહોંચ્યા છે અને પોતાનો મત આપ્યો છે.મતગણતરી 7 જાન્યુઆરી 2025ના રોજ ખેડા જિલ્લા સહકારી સંઘમાં યોજાયાવાની છે.
