Gujarat

સ્વચ્છતા આપણો અધિકાર, સ્વચ્છતા આપણું સ્વાભિમાન ગોંડલ નગરપાલિકા દ્વારા ઠેર-ઠેર હોર્ડિંગ્સ લગાવી સ્વચ્છતાનો સંદેશ અપાયો

રાજકોટ જિલ્લાની નગરપાલિકાઓ દ્વારા સ્વચ્છ ભારત મિશન અર્બન – ગુજરાત અંતર્ગત નિર્મળ ગુજરાત ૨.૦ હેઠળ વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ત્યારે ગોંડલ નગરપાલિકા દ્વારા પણ સ્વચ્છતાની કામગીરી અવિરત કરવામાં આવી રહી છે. જે અન્વયે શહેરમાં ઠેર-ઠેર સ્વચ્છતાનો સંદેશ આપતા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા હતાં.

આ હોર્ડિંગ્સમાં ‘સ્વચ્છતા આપણો અધિકાર, સ્વચ્છતા આપણું સ્વાભિમાન’, ‘ગુજરાતને હરિયાળું અને સ્વચ્છ બનાવીએ’ જેવા સૂત્રોથી સ્વચ્છતા રાખવાની પ્રેરણા આપવામાં આવી છે.

 

તેમજ હોર્ડિંગ્સના માધ્યમથી શૌચાલયનો ઉપયોગ કરવા, ભીના કચરા અને સૂકાં કચરાનું વર્ગીકરણ, કચરામાંથી કમ્પોસ્ટ ખાતર બનાવવાની રીત, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો, જવાબદાર નાગરિક તરીકે સ્વચ્છતા અંગે નૈતિક ફરજો સહિતની બાબતો વિષયક સમજ પૂરી પાડવામાં આવી હતી. આમ, ગોંડલ નગરપાલિકા દ્વારા હોર્ડિંગ્સ થકી સ્વચ્છતા વિષે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.