વહીવટીતંત્રની ત્રિવિધ કામગીરીને શિવ સંકલ્પરૂપ બિલીપત્ર સાથે સરખાવતા સાંસદશ્રી પરસોત્તમભાઈ રૂપાલા
વિકસિત ભારતના સંકલ્પ માટે આત્મનિર્ભર ગામડાઓ જરૂરી: જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણી
કોટડાસાંગાણી સ્થિત ઠાકોરશ્રી મુળવાજી વિનયન કોલેજ ખાતે જન કલ્યાણકારી વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
સાંસદશ્રી પરસોત્તમભાઈ રૂપાલા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણી, કલેકટરશ્રી પ્રભવ જોશી સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાલેજ ગ્રાઉન્ડ ખાતે રૂ. ૪૦ લાખના ખર્ચે તૈયાર કરાયેલા સ્પોર્ટસ કોમ્પ્લેક્ષનુ ઉદઘાટન કરાયું હતું. ઉપરાંત રૂ. ૧૧.૨૫ લાખના ખર્ચે દિવ્યાંગજનોને સાધનોનું વિતરણ અને જિલ્લાની ૩૩૦ આંગણવાડીઓ માટે રૂ.૭.૨૫ લાખના ખર્ચે બનેલા રમકડા સેટનું વિતરણ પણ કરાયું હતું.
રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર, પી.જી.વી.સી.એલ. અને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય અન્વયે એ.ડી.આઈ.પી. સ્કીમ અંતર્ગત એલિમ્કો કંપનીના સહયોગથી કોટડાસાંગાણી તાલુકાના ૫૪ દિવ્યાંગજનોને ૧૦૦ જેટલા સહાયક ઉપકરણો વિતરિત કરાયા હતા.
સાંસદશ્રી પરસોત્તમભાઈ રૂપાલાએ કલેક્ટરશ્રી અને જિલ્લા વહીવટીની ત્રિવિધ કામગીરી શિવ સંકલ્પરૂપી બિલીપત્ર સરખાવી હતી. આ તકે સાંસદશ્રીએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના મુખ્યમંત્રીકાળ દરમિયાન ગુજરાતમા યોજાતી ચિંતન શિબિરને યાદ કરી સનદી અધિકારીઓ સાથે શરૂ કરાયેલ વિચાર વિમર્શ દ્રારા “સ્વાન્તઃ સુખાય” શબ્દની પરિભાષા સમજાવી ઉપસ્થિત લોકોને ફિઝીકલી ફીટ રહેવા અનુરોધ કર્યો હતો. આ માટે સરકાર દ્વારા તાલુકા કક્ષાએ પણ રમત ગમતના મેદાન ઉભા કરવામાં આવી રહ્યા છે તેમ ઉમેર્યુ હતુ.
જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણીએ ‘‘વિકસિત ભારત’’ના સંકલ્પ માટે ગામડાઓ આત્મનિર્ભર બને તે જરૂરી છે, તેમ જણાવતાં ગ્રામીણ ક્ષેત્રે રોજગારી, રમત ગમતના મેદાન, આત્મનિર્ભર ગામડા માટે સરકારના ઉમદા પ્રયાસો, શિક્ષણ સહિતની બાબતોનો ઉલ્લેખ કર્યો હતો.
જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોષીએ શાબ્દિક સ્વાગત કરી ગ્રામીણ વિસ્તારના યુવાનો અને વિદ્યાર્થીઓ પોતાનું હુન્નર રમતગમતના મેદાનમાં બતાવી ઓલિમ્પિકસ સુધી પહોંચે તે માટે સરકારશ્રીના માર્ગદર્શનમાં વહીવટી તંત્ર કટિબદ્ધ છે તેમ જણાવ્યું હતું. આ ઉપરાંત દિવ્યાંગોને સાધન સહાય વિતરણ માટે એલિમ્કો કંપની, પી.જી.વી.સી.એલ. તેમજ આંગણવાડીના બાળકોને રમકડાની કીટ માટે ખાણ ખનીજ વિભાગની રોયલ્ટીમાંથી મેળવેલ ભંડોળની જાણકારી આપી જિલ્લાના વિકાસ માટે વહીવટી તંત્ર કટિબધ્ધ છે તેમ જણાવ્યું હતું.
મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરાયા બાદ કોટડાસાંગાણી તાલુકા શાળાની બાળાઓએ સાંસ્કૃતિક કૃતિ રજૂ કરી હતી. દિવ્યાંગ સાધન સહાય વિતરણમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર સમાજ સુરક્ષા વિભાગના પાંચ કર્મચારીઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન બી.આર. સી.શ્રી વીરભદ્રસિંહ જાડેજાએ કર્યું હતું.
આ પ્રસંગે પૂર્વ ધારાસભ્યશ્રી ચંદુભાઈ વઘાસિયા, શ્રીલાખાભાઈ સાગઠીયા, અગ્રણીશ્રી અર્જુનભાઈ, શ્રી ધર્મેશભાઈ ટીલાળા, શ્રી ગોવિંદભાઈ રાઠોડ શ્રી જયંતીભાઈ સરધારા, પ્રાંત અધિકારીશ્રી મહેક જૈન, સમાજ સુરક્ષા અધિકારી શ્રી પ્રાર્થનાબેન શેરસીયા, કોટડાસાંગાણીના મામલતદાર શ્રી જી.બી.જાડેજા કોલેજના આચાર્ય શ્રી અલ્પેશભાઈ જોશી સહિતના મહાનુભાવો, વિદ્યાર્થીઓ, દિવ્યાંગો તેમજ બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.