ખેડા નજીકના નવાગામમાં એક સાહસિક ચોરીની ઘટના સામે આવી છે. આંબેડકર નગર વિસ્તારમાં રહેતા રાજેન્દ્રભાઈ વાઘેલાના ઘરમાં તસ્કરોએ રાત્રિ દરમિયાન પ્રવેશ કર્યો હતો.
તસ્કરોએ નીચેના દરવાજાનો નકુચો તોડીને ઘરમાં પ્રવેશ કર્યો. તેમણે પહેલા ઉપરના માળે રેકી કરી, જ્યાં પરિવારના સભ્યો ઊંઘી રહ્યા હતા.
તસ્કરોએ પરિવારને અંદર કેદ કરવા માટે ઉપરના માળનો દરવાજો બહારથી બંધ કરી દીધો.
નીચેના માળે આવેલા રૂમમાંથી તસ્કરોએ લાકડાના કબાટમાંથી રોકડ રૂપિયા 50 હજાર અને સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 1.15 લાખની મત્તાની ચોરી કરી.
સવારે 6 વાગ્યે એલાર્મ વાગતા રાજેન્દ્રભાઈ જાગ્યા. તેમને દરવાજો બહારથી બંધ મળ્યો.
તેમના ભાઈની મદદથી દરવાજો ખોલ્યા બાદ નીચે આવીને જોયું તો ઘરનો સામાન વેરવિખેર હતો અને ચોરી થઈ હોવાનું જણાયું.
રાજેન્દ્રભાઈએ ખેડા ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઘરફોડ ચોરીનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.