Gujarat

તાલુકા કક્ષાએ સિદ્ધિ બદલ ક્લસ્ટર રિસોર્સ સેન્ટર કરંજનાં તેજસ્વી વિદ્યાર્થીઓ સન્માનિત થયાં

સુરત જિલ્લા પંચાયત દ્વારા આયોજીત તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારંભ બારડોલીની અસ્તાન કન્યા વિદ્યાલય ખાતે યોજાયો હતો. જેમાં તાલુકા કક્ષાએ પ્રથમ સત્રાંત કસોટીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતિય ક્રમે ઉત્તીર્ણ તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતાં.
ઓલપાડ તાલુકાનાં ક્લસ્ટર રિસોર્સ સેન્ટર, કરંજ સંલગ્ન જીણોદ પ્રાથમિક શાળામાં ધોરણ-૧ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની વેન્સી ગિરીશભાઈ પટેલે તાલુકા કક્ષાએ તૃતિય ક્રમ અને મોર મુખ્ય પ્રાથમિક શાળામાં ધોરણ-૨ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થી મયંક ચેતનભાઈ પટેલે દ્વિતીય ક્રમ હાંસલ કરેલ છે તથા મીંઢી પ્રાથમિક શાળામાં ધોરણ-૫ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થી ગૌરવ બળવંતભાઈ રાઠોડે તાલુકા કક્ષાએ દ્વિતીય ક્રમ અને મીરજાપોર પ્રાથમિક શાળામાં ધોરણ-૫ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થી વેદ કેયૂરભાઈ પટેલે તૃતિય ક્રમ હાંસલ કરેલ છે.
જ્યારે કરંજ પ્રાથમિક શાળામાં ધોરણ-૮ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ફેની પંકજભાઈ આહિરે તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમ અને મોર મુખ્ય પ્રાથમિક શાળામાં ધોરણ-૭ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની નિષ્ઠા હિતેશભાઈ ખલાસીએ પણ પ્રથમ ક્રમ હાંસલ કરી શાળા પરિવાર અને ગામનું નામ રોશન કરેલ છે. કરંજનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર વિજય પટેલ, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં કાર્યવાહક પ્રમુખ ગિરીશ પટેલ, ઉપપ્રમુખ ચિરાગ પટેલ તથા મહિલા ઉપપ્રમુખ અને કરંજનાં કેન્દ્રાચાર્યા જાગૃતિ પટેલ તથા મોરનાં કેન્દ્રાચાર્યા ભૂમિકા પટેલે આ તમામ વિદ્યાર્થીઓની નોંધપાત્ર સિદ્ધિને બિરદાવી તેમને અભિનંદન પાઠવ્યા હતાં.
આ તેજસ્વી વિધાર્થીઓને ઉપસ્થિત મહાનુભવોનાં હસ્તે પ્રોત્સાહક ઈનામ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. ભવિષ્યમાં તેઓ શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં હંમેશા અગ્રેસર રહી અપેક્ષિત સફળતા હાંસલ કરી શાળા, ગામ તથા તાલુકા સહિત સમગ્ર જિલ્લાને ગૌરવ બક્ષે એવાં આશીર્વચન પાઠવવામાં આવ્યા હતાં. આ પ્રસંગે શિક્ષણ વિભાગનાં અધિકારીઓ તેમજ જિલ્લા પંચાયત સદસ્યો ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.