Gujarat

કોંગ્રેસ નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુએ કહ્યું- ‘JP કન્સ્ટ્રકશન દ્વારા ભ્રષ્ટાચાર કરાયો, પેઢીમાં રૂપાણી સહિતના ભાગીદાર’

રાજકોટ કોંગ્રેસનાં દિગ્ગજ નેતા ઇન્દ્રનીલ રાજગુરુએ આજે PPP યોજનાનાં નામે મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. આ તકે કાલાવડ રોડ પર મનપાની જગ્યામાં PPP ધોરણે કામ કરતા JP કન્ટ્રક્શનમાં પૂર્વ સીએમ વિજય રૂપાણી સહિતના ભાગીદાર હોવાનું અને આવાસ બનાવવાના નામે ભ્રષ્ટાચાર કરાયો હોવાનો આરોપ લગાવ્યો હતો.

તેમજ આ મામલે મનપા કમિશ્નર અને જિલ્લા કલેક્ટરને તાત્કાલિક પગલાં લેવા અપીલ કરી હતી. જો આમ કરવામાં નહીં આવે તો આવતા સપ્તાહે કોંગ્રેસ દ્વારા બધા પુરાવાઓ સાથે હલ્લાબોલ કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુએ જણાવ્યું હતું કે આમ તો આખા ભારતમાં અને ગુજરાતમાં ભ્રષ્ટાચારી ભાજપનું શાસન છે. ત્યારે શહેરમાં હજારોને નોટિસો આપી લોકોનાં આશિયાના તોડી બેઘર કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે.

તેની સામે આગામી વીકમાં કલેકટર અને મ્યુનિસિપલ કમિશનરનો ઘેરાવ કરાશે. નોટિસો આપે છે એટલું જ નહીં પરંતુ બિલ્ડરોના ઇશારે રાજકોટ મનપાનું તંત્ર ધાક ધમકી આપી લોકોને ડરાવે છે. આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિઓ રાજકોટ મહાનગરપાલિકા કરી રહી છે.

મનપાનાં અધિકારીઓ પદાધિકારીઓના ઇશારે કામ કરે છે અને ભાજપની ચમચાગીરી કરે છે. જે બંધ કરી અને કાયદાની મર્યાદામાં રહીને જે કાંઈ કરવાનું થાય તે કરે અન્યથા હલ્લાબોલ માટે તૈયાર રહે. પીપીપી યોજના જે કાલાવડ રોડ પર જે.પી કન્ટ્રક્શનની વિજયભાઈ અને તેની કંપની ભાગીદાર હતા પીપીપી યોજનામાં સરકારી જમીન કોર્પોરેશનને સોંપવામાં આવી છે. જેપી કન્ટ્રક્શન તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં માર્ગદર્શન હેઠળ ભ્રષ્ટાચારનું કાવતરું ઘડાયું હતું. આ યોજના રિવ્યુ કરી અને લોકો સમક્ષ મૂકશુ.