Gujarat

અમીરગઢના ખેડૂતે 18 વીઘા જમીનમાં વાવેલી સક્કરટેટીના પાકને નુકસાન

બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોની આશાઓ પર પાણી ફેરવી દીધું છે. અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ ગામમાં મધરાત્રે કરા સાથે પડેલા વરસાદે સક્કરટેટીના પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે.

સ્થાનિક ખેડૂતે જણાવ્યું કે તેમણે 18 વીઘામાં સક્કરટેટીનું વાવેતર કર્યું હતું. આ પાકમાં પહેલેથી જ ઠંડીના કારણે માત્ર 25 ટકા જેટલો જ માલ લાગ્યો હતો.

હવે કમોસમી વરસાદના કારણે બચેલો પાક પણ નષ્ટ થઈ ગયો છે. વરસાદના કારણે સક્કરટેટી કોહવાઈ જવાનું જોખમ ઊભું થયું છે.

ખેડૂતના જણાવ્યા મુજબ આ નુકસાનથી તેમને આશરે 8થી 10 લાખ રૂપિયાની ખોટ જાય તેમ છે.

ખેતીમાં કરેલો ખર્ચ પણ નીકળે તેવી સ્થિતિ નથી. ખેડૂતોએ સરકાર પાસે સર્વે કરાવીને નુકસાનીનું વળતર ચૂકવવાની માંગણી કરી છે.