Gujarat

ડીસા પાલિકા દરબાર વેસ્ટને દર મહિને સફાઈ માટે 50 લાખ ચૂકવે છે છતાં એજન્સીનો ખુલાસો પણ ન પુછ્યો

ડીસા નગરપાલિકામાં ડોર ટુ ડોર કચરા કલેક્શન અને સફાઈ કામ માટે કરાર ધરાવતી દરબાર વેસ્ટ કોર્પોરેશન નામની એજન્સી ટેન્ડરની શરતોનો ભંગ કરી રહી છે.

છતાં નગરપાલિકા દ્વારા કોઈ પગલાં લેવામાં આવતાં નથી. દર મહિને નગરપાલિકા દ્વારા સફાઈ માટે રૂ. 50 લાખ ચૂકવવામાં આવે છે

. છતાં એજન્સી પોતાના સાધનોના બદલે નગરપાલિકાના સાધનોનો ઉપયોગ કરે છે. ડીસા નગરપાલિકાના સેનીટેશન સમિતિના ચેરમેન તરીકે મહિલા અપક્ષ સભ્ય છે.

ભાજપ પાસે બહુમતી હોવા છતાં અપક્ષને જવાબદાર સમિતિ કેમ આપવામાં આવી તે બાબતને લઈ કેટલાક સભ્યમાં અસંતોષમાં છે.છતાં કોઈ જાહેરમાં બોલવા તૈયાર નથી.

ભાજપના કેટલાક સભ્યોએ ભ્રષ્ટાચાર બાબતે લેખિતમાં ફરિયાદ પણ કરી છે. છતાં કોઈ પગલાં લેવાતા નથી.નગરપાલિકામાં છ મહિના બાદ ચૂંટણી છે.

સેનીટેશન કૌભાંડ મુદ્દે જિલ્લા કલેક્ટર મિહિર પટેલનો સંપર્ક કરતા તેમણે તપાસ કરવાની વાત કહી વાત ટાળી હતી.

નગરપાલિકાના સેનિટેશન ચેરમેન મંજુલા રાવલના ઘરે માહિતી માટે જતાં તેમના પતિ કિરણ રાવલએ કહ્યું કે તેમને કંઈ ખબર નથી.

ચીફ ઓફિસર ઓફિસમાં હાજર ન હોવાથી સેનિટેશન અધિકારી દેવેન્દ્ર માળીનો સંપર્ક કરાયો હતો તેમણે માહિતી માટે લેખિતમાં માંગ કરવાની વાત કહી માહિતી આપવાનો ઇન્કાર કર્યો હતો.

અપક્ષને સેનિટેશનની જવાબદારીથી કેટલાક ભાજપના નગરસેવકો નારાજ ડીસા નગરપાલિકામાં કુલ 44 સભ્યો છે.

જેમાં 27 ભાજપ, 15 અપક્ષ, 1 કોંગ્રેસ અને 1 આમ આદમી પાર્ટીનો સમાવેશ થાય છે. કેટલાક સભ્યો ત્રણ વખતથી ચૂંટાઈ આવ્યા છે.

છતાં તેમને કોઈ સમિતિમાં સ્થાન મળ્યું નથી. જ્યારે ભાજપ વિરુદ્ધ પ્રચાર કરીને જીતેલા અપક્ષ સભ્યને સેનિટેશન ચેરમેન બનાવવામાં આવ્યા છે.

જેમાં ભ્રષ્ટાચારના મુદ્દે હાલ ભાજપને ભારે બદનામી ભોગવવી પડી રહી છે.