Gujarat

ધાનેરા હિત રક્ષક સમિતિના લાલ ચોક ખાતે ધરણા, બનાસકાંઠામાં રહેવા માગણી

બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ નવા વાવ-થરાદ જિલ્લામાં સમાવિષ્ટ ધાનેરા તાલુકાના લોકોએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. ધાનેરા હિત રક્ષક સમિતિએ શહેરના લાલ ચોક ખાતે ધરણા યોજ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને આગેવાનો જોડાયા હતા.

રાજ્ય સરકારે 1 જાન્યુઆરી 2025થી અમલી બનેલા નવા જિલ્લા વિભાજનમાં વાવ, ભાભર, થરાદ, ધાનેરા, સુઈગામ, લાખણી, દિયોદર અને કાંકરેજ એમ કુલ આઠ તાલુકાઓનો સમાવેશ કર્યો છે. જ્યારે પાલનપુર, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, વડગામ અને ડીસા તાલુકા બનાસકાંઠા જિલ્લામાં યથાવત રહેશે.

ધાનેરા અને કાંકરેજ તાલુકાના લોકો છેલ્લા આઠ દિવસથી બનાસકાંઠા જિલ્લામાં રહેવાની માગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. બીજી તરફ, દિયોદર તાલુકાના લોકો નવા જિલ્લાનું નામ ‘ઓગડ’ રાખવા અને જિલ્લા મથક દિયોદર બનાવવાની માગણી સાથે વિરોધ કરી રહ્યા છે.