૧૦૯૧ લાભાર્થીઓને રૂ.૧.૪૪ કરોડથી વધુ રકમના ૧૭૨૦ દિવ્યાંગ સહાયક ઉપકરણનું વિતરણ કરાયું
જિલ્લામાં ૨૭ કેમ્પો દ્વારા ૨૬૧૩ લાભાર્થીઓને રૂ. ૩.૬૬ કરોડથી વધુ રકમની સહાય વિતરણ કરાઈ
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન કલ્યાણકારી યોજનાઓમાં હંમેશા સંવેદનશીલ અભિગમ રહ્યો છે : સાંસદશ્રી પરસોત્તમભાઈ રૂપાલા
છેલ્લા દસ વર્ષમાં દિવ્યાંગજનોના કલ્યાણ માટે નોંધપાત્ર કામગીરી કરાઈ : સચિવશ્રી રાજેશ અગ્રવાલ
રાજકોટ ધર્મેન્દ્રસિંહજી કોલેજના મેદાન ખાતે “દિવ્યાંગ સાધન સહાય કેમ્પ” યોજાયો હતો. જેમાં મહાનુભાવોએ ૧૦૯૧ લાભાર્થીઓને રૂ.૧.૪૪ કરોડથી વધુ રકમના ૧૭૨૦ દિવ્યાંગ સહાયક ઉપકરણ વિતરણ કર્યા હતા.
નવી દિલ્હીના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય અને રાજકોટ જિલ્લા વહિવટીતંત્ર દ્વારા એ.ડી.આઈ.પી. સ્કીમ અંતર્ગત એલીમ્કો કંપનીના સહયોગથી યોજાયેલ કેમ્પમાં રાજકોટ ગ્રામ્યના ૫૭ લાભાર્થીઓને રૂ.૧૨.૭૫ લાખથી વધુ રકમની ૯૧ સાધન સહાય, રાજકોટ શહેરના ૯૧૫ લાભાર્થીઓને રૂ.૧.૦૮ કરોડથી વધુ રકમના ૧૫૦૬ સાધન સહાય તેમજ જિલ્લાના ૧૧૯ લાભાર્થીઓને રૂ.૨૩ લાખથી વધુ રકમના ખર્ચે ૧૨૩ સાધન સહાય વિતરણ કરવામાં આવ્યા હતા.
આ તકે સાંસદશ્રી પરસોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ દિવ્યાંગોનું સન્માન વધારવાનો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન કલ્યાણકારી યોજનાઓમાં હંમેશા સંવેદનશીલ અભિગમ રહ્યો છે. ૮૦ ટકા કરતા વધુ દિવ્યાંગતા હોય તેને ૧૦૦% સાધન સહાય આપવાનો સંવેદનશીલ નિયમ વર્તમાન સરકારે બનાવ્યો છે. રાજકોટ જિલ્લાના તમામ તાલુકામાં દિવ્યાંગ સાધન સહાય કેમ્પ યોજી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ૨૬૧૩ દિવ્યાંગ લાભાર્થીઓને રૂ. ૩.૬૬ કરોડથી વધુ રકમના સાધનો વિતરણ કરાયા તેમાં સંવેદનશીલ સરકારનો પારદર્શક વહીવટ જોવા મળે છે. આ સાધનો આત્મનિર્ભર ભારતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેમજ સાંસદશ્રીએ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા દિવ્યાંગજનો માટે કરવામાં આવી રહેલી ઉત્કૃષ્ટ કામગીરી બદલ અભિનંદન પાઠવીને લાભાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી.
આ તકે દિવ્યાંગ સશક્તિકરણ વિભાગ, ભારત સરકારના સચિવશ્રી રાજેશ અગ્રવાલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીજીના દિશા નિર્દેશન હેઠળ છેલ્લા ૧૦ વર્ષમાં દિવ્યાંગજનો માટે નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે. દિવ્યાંગજનોનું રોજિંદુ જીવન સરળ કરવા માટે ALIMCO (Artificial Limbs Manufacturing Corporation of India)ના સહયોગથી આધુનિકીકરણ સાથેના સહાયક ઉપકરણો માટે સંશોધન હાથ ધરવામાં આવી રહ્યા છે, તેમજ કાનપુર ખાતે ઉચ્ચ ગુણવત્તાયુક્ત સાધનોનું મેન્યુફેકચરિંગ કરવામાં આવી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, દરેક વ્યક્તિના જીવનમાં શિક્ષણ મહત્વની ભૂમિકા ભજવે છે. સરકારશ્રી દ્વારા દિવ્યાંગજન માટે સરકારી નોકરીમાં ૪ ટકા અનામત રાખવામાં આવ્યું છે, ત્યારે “સર્વ શિક્ષા અભિયાન” હેઠળ દિવ્યાંગજનોને સ્પેશિયલ સ્કૂલમાં પોતાની ક્ષમતા અનુસાર શિક્ષણ મેળવીને આર્થિક રીતે પગભર થઈ શકે તે માટે નક્કર પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, સાથોસાથ દિવ્યાંગ બાળકને વધુ સારી રીતે સમજી શકવા માટે માતા-પિતાને પણ સાઈન લેંગવેજ શીખવા માટે અપીલ કરી હતી. તેમજ દિવ્યાંગજનોને કાયમી રીતે મદદરૂપ થઈને માર્ગદર્શન આપી શકાય તે માટે આગામી સમયમાં રાજકોટની પી.ડી.યુ. હોસ્પિટલ ખાતે પણ “પ્રધાનમંત્રી દિવ્યાસા કેન્દ્ર” પણ શરૂ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશીએ સ્વાગત પ્રવચન કરી કાર્યક્રમમાં ઉપસ્થિત દિવ્યાંગજનો તેમજ મહાનુભાવોને આવકાર્યા હતા. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લાના તમામ તાલુકાઓમાં યોજાયેલા દિવ્યાંગ સાધન સહાય કેમ્પની વિસ્તૃત વિગત આપી આ કામગીરીમાં જોડાયેલા અધિકારીઓ તથા કર્મચારીઓને તેમજ પીજીવીસીએલ, ઇન્ડિયન ઓઇલ જેવી સંસ્થાઓના સહયોગને બિરદાવ્યા હતા.
નેશનલ ટ્રસ્ટના સભ્યશ્રી પૂજાબેન પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય અને ભારત સરકાર દિવ્યાંગોના કલ્યાણ માટે કટિબદ્ધ છે. મહાનુભાવો તેમજ જિલ્લા વહીવટીતંત્રનો દિવ્યાંગોને સહયોગ મળવાથી આ પ્રકારના કેમ્પ યોજાઇ રહ્યા છે, જે દિવ્યાંગોના કલ્યાણ માટે અસરકારક છે. એડીઆઈપી સ્કીમ હેઠળ અપાતી આધુનિક કીટમાં ક્યુઆર કોડ જેવી સુવિધા હોવાથી દિવ્યાંગોને સરળતા રહેશે. દિવ્યાંગોને ઇનોવેટિવ આઈડિયા મળવા, રોજગારી અને તેમના જીવનને સરળ બનાવવા યોજાતા કેમ્પ સરાહનીય છે.
આ તકે એકરંગ સંસ્થાના મનોદિવ્યાંગ બાળાઓ દ્વારા સાંકૃતિક કૃતિ રજૂ કરાઈ હતી. લોકસાહિત્યકાર રાજુભાઈ ગઢવી દ્વારા લોકસાહિત્ય અને ડાયરો રજૂ કરાયો હતો. લાભાર્થીઓને સાધન વિતરણ, થેલેસેમિયા ડીસીબીલીટી સર્ટિફિકેટ વિતરણ, રાજકોટ જિલ્લામાં થયેલ દિવ્યાંગ સાધન સહાય કેમ્પ અન્વયે ઉત્કૃષ્ટ કામગીરી બદલ અધિકારીશ્રીઓ તથા કર્મચારીશ્રીઓનું સન્માન કરાયું હતું. વધુમાં સમગ્ર કાર્યક્રમને મૂકબધિર લાભાર્થીઓ સમજી શકે તે માટે સાઈન લેંગેજ ઇન્સ્ટ્રક્ટરની વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમની આભારવિધિ સમાજ સુરક્ષા અધિકારી શ્રીમતી પ્રાર્થનાબેન શેરસીયાએ તેમજ કાર્યક્રમનું સમગ્ર સંચાલન પ્રોફેસર સંજયભાઈએ કર્યું હતું.
આ કાર્યક્રમમાં મેયરશ્રી નયનાબેન પેઢડીયા, સાંસદશ્રી રામભાઈ મોકરીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પ્રવિણાબેન રંગાણી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનંદુ સુરેશ ગોવિંદ સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, જુદી-જુદી સંસ્થાના પ્રતિનિધિશ્રીઓ, દિવ્યાંગજનો તેમજ બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.