ભુજમાં પસ્તી ગ્રુપની અનોખી પહેલ સામે આવી છે. ગ્રુપ છેલ્લા 13 વર્ષથી શહેરમાંથી પસ્તી એકત્રિત કરી તેના વેચાણમાંથી શૈક્ષણિક કિટ બનાવે છે. આ વર્ષે 1100 જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આ કિટનું વિતરણ કરવામાં આવ્યું છે.
ભુજ નગરપાલિકાના ટાઉનહોલમાં યોજાયેલા વિતરણ કાર્યક્રમમાં ધારાસભ્ય કેશુભાઈ પટેલ અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં જિલ્લા ભાજપના ઉપ-પ્રમુખ ડૉ. મુકેશ ચંદે અને અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા.
પસ્તી ગ્રુપ વર્ષ 2011થી શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસ્તી એકત્રિત કરે છે. આ પસ્તીના વેચાણમાંથી મળેલા નાણાંમાંથી નોટબુક, બોલપેન, ફૂટપટ્ટી જેવી શૈક્ષણિક સામગ્રી ખરીદવામાં આવે છે. અત્યાર સુધીમાં લગભગ 19,000 વિદ્યાર્થીઓને આ કિટનો લાભ મળ્યો છે.

કાર્યક્રમમાં ધારાસભ્ય કેશુભાઈ પટેલ અને ડૉ. મુકેશ ચંદેએ આવતા વર્ષે આ પહેલમાં સહભાગી થવાની જાહેરાત કરી હતી.
સવારે 9:30 વાગ્યે શરૂ થયેલા આ કાર્યક્રમનું સંચાલન નવનીત નગર શાળાના કૃપાબેન દ્વારા કરવામાં આવ્યું હતું. શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓની વ્યવસ્થા સંભાળી હતી.