Gujarat

રતનપુરામાં દરગાહ, મસ્જિદ, મદ્રસામાં બહારથી આવતા ભેદી લોકોની તપાસ કરો

માતર તાલુકાના રતનપુરા ગામમાં સામાજિક પ્રસંગને લઇ વિવાદ વકર્યો હતો. પૂર્વ સરપંચે પરિવારને ટોક્યા હોવાની ફરિયાદ કરાતા પોલીસે અટકાયાતી પગલા ભર્યા હતા.

આ વિવાદ બાદ રતનપુર ગામ હિન્દુ સમાજ દ્વારા કલેકટરને આવેદન આપી ગામમાં આવેલ દરગાહ, મસ્જિદ તથા મદ્રેસામાં ઘણા ભેદી ચહેરાઓ બહારથી આવતા હોવાને લઈ તાત્કાલિક તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

માતર રતનપુરમાં અગાઉ થયેલ મૌખિક કરારને લઈ ભાગોળમાં ગામ પંચાયત તરફ એકબીજાના સામાજિક પ્રસંગોમાં સામસામે ન આવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

જોકે 28 એપ્રિલે સામાજિક પ્રસંગને લઇ ભાગોળમાં ગરબા કરાતા રતનપુરના પૂર્વ સરપંચ દ્વારા પરિવારને રોકવામાં આવ્યો હતો.

જેને લઇ મામલો બિચક્યો હતો અને આ મામલે પૂર્વ સરપંચ સામે માતર પોલીસ મથકે રજૂઆત કરવામાં આવતા પોલીસે તેમની અટકાયત કર્યા બાદ તેમના જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.

સોમવારે રતનપુર ગામના હિન્દુ સમાજ ખતરામાં હોવાને લઈ રતનપુર ગામ હિન્દુ સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

જેમાં જણાવ્યું હતું કે બિસ્મિલ્લાખાન પઠાણ તથા અગાઉલ્લાખાન પઠાણ હિન્દુ સમાજની જાહેરમાં માફી માગે અને તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

આ સાથે તાલુકા પંચાયતના સભ્ય અગાઉલ્લાખાન પઠાણને સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી હતી.

જોકે રતનપુર ગામમાં આવેલ સરકારી જમીનમાં મુસ્લિમો દ્વારા ગેરકાયદેસર દબાણો કરીને પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે જેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા પણ માંગ કરવામાં આવી હતી.