Gujarat

દેશમાં પહેલીવાર 1.34 લાખ લોકોએ ટિકિટ ખરીદી કૉન્સર્ટ નિહાળી હોય એવો સૌથી મોટો શૉ

બ્રિટિશ રૉક બેન્ડ કોલ્ડપ્લેના અમદાવાદમાં બે લાઇવ શૉએ નવો રેકોર્ડ રચ્યો છે. રવિવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલી કૉન્સર્ટમાં રેકોર્ડબ્રેક 1.34 લાખ લોકો ઉપસ્થિત હતા.

દેશમાં પહેલીવાર ટિકિટ ખરીદીને 1.34 લાખ લોકોએ કૉન્સર્ટ માણી હોય એવું બન્યું છે. આ આંકડો ખુદ કોલ્ડપ્લેએ સોશિયલ મીડિયા પર જાહેર કર્યો હતો.

આ સાથે પહેલીવાર ટિકિટથી પ્રવેશ મળે એવી કૉન્સર્ટે 1 લાખ દર્શકોનો આંકડો પાર કર્યો છે. આ પહેલાનો આંકડો 60 હજારનો છે. આ અગાઉ દિલજીત દોસાંજ અને જસ્ટિન બીબરની કૉન્સર્ટમાં 50-50 હજાર દર્શકો ઉપસ્થિત રહ્યા હતાં.

વર્ષ 2020માં હલ્દિયામાં હનિસિંહના શૉમાં 2 લાખ લોકો ઉમટ્યા હોવાનો દાવો કરાયો હતો પણ આ દાવાને પુષ્ટિ મળી નહોતી.

રવિવારે અમદાવાદની કૉન્સર્ટ સાથે કોલ્ડપ્લેની ઇન્ડિયા ટૂર સમાપ્ત થઈ છે. બેન્ડે ભારતમાં બે સપ્તાહના અનુભવને યાદગાર ગણાવ્યો હતો તથા ભારતીય ચાહકોનો તેમણે આપેલા પ્રેમ બદલ આભાર માન્યો હતો.

કોલ્ડપ્લે બેન્ડે મુંબઈમાં 18 જાન્યુઆરીના શૉ સાથે ઇન્ડિયા ટૂરની શરૂઆત કરી હતી. મુંબઈમાં ત્રણ શૉ કર્યા બાદ કોલ્ડપ્લેએ 25 અને 26 જાન્યુઆરી એમ બે દિવસ અમદાવાદમાં બે શૉ કર્યા હતા.