Gujarat

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી સોફ્ટબોલમાં સતત બીજી વખત ચેમ્પિયન

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આંતર કોલેજ સોફ્ટબોલ સ્પર્ધામાં ડીસા કોલેજે ઇતિહાસ રચ્યો છે. ડી.એન.પી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ડીસાએ સતત બીજી વખત ચેમ્પિયનશિપ જીતી લીધી છે. આ સ્પર્ધાનું આયોજન ડીસા કોલેજમાં કરવામાં આવ્યું હતું, જેમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વિવિધ જિલ્લાઓની ટીમોએ ભાગ લીધો હતો.

ડીસા કોલેજનું સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ વર્ષ દરમિયાન ખેલાડીઓને વ્યવસ્થિત તાલીમ આપે છે, જેના કારણે કોલેજે અનેક રમતોમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા છે. આ વિજયથી બનાસકાંઠા જિલ્લા અને યુનિવર્સિટીમાં કોલેજની પ્રતિષ્ઠા વધી છે.

વિજેતા ટીમના કોચ પ્રોફેસર ડૉ. આર.ડી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું. ભૂતપૂર્વ સોફ્ટબોલ કેપ્ટન દિનેશજી સોલંકી અને અજય કનોજિયાએ પણ ટીમને મહત્વપૂર્ણ સહયોગ આપ્યો. કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તેજસ આઝાદ, નિયામક છગનભાઈ પટેલ અને તમામ ટ્રસ્ટીઓએ વિજેતા ટીમ અને સહયોગી સ્ટાફને અભિનંદન પાઠવ્યા છે.