દિલ્હીના લોટસ ટેમ્પલ સ્થિત ઓડિટોરિયમ-માહિતી કેન્દ્ર ખાતે નિષ્ઠા દ્વારા આયોજિત યુવા મહિલા સિદ્ધિ પુરસ્કાર સમારોહમાં નખત્રાણાની પૂજા સોનીને પ્રતિષ્ઠિત સન્માન પ્રાપ્ત થયું છે.
કાર્યક્રમમાં કોર્પોરેટ મંત્રાલય તથા માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના રાજ્યમંત્રી શ્રી હર્ષ મલ્હોત્રા અને પૂર્વ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર શ્રી મહિન્દ્રા આહુજા ઉપસ્થિત રહ્યા હતા.
પૂજા સોની કૌટુંબિક પ્રસંગને કારણે સમારોહમાં હાજર રહી શક્યા ન હતા. તેમનું સન્માન પોસ્ટ દ્વારા મોકલવામાં આવ્યું હતું.
સાહિત્ય અને કલા ક્ષેત્રે તેમને નિષ્ઠા પ્રતિષ્ઠિત યુવા સિદ્ધિ પુરસ્કાર, નિષ્ઠા એવોર્ડ અને સર્ટિફિકેટ એનાયત કરાયા હતા.

બહુમુખી પ્રતિભા ધરાવતા પૂજા સોની લેખન અને વાંચનનો વિશેષ શોખ ધરાવે છે. તેમણે સંગીત ક્ષેત્રે પણ નામના મેળવી છે.
તાજેતરમાં અમદાવાદમાં યોજાયેલી ઓનલાઈન ગાયન સ્પર્ધામાં તેમને હાર્મની મ્યુઝિક એવોર્ડ મળ્યો હતો. તેમના લેખો નિયમિત પ્રકાશિત થાય છે.
પૂજાએ રાજ્ય કક્ષાએ નારી તું નારાયણી એવોર્ડ, ગુજરાત નમસ્કાર નારી રત્ન અવોર્ડ અને બેસ્ટ રાઈટર ટ્રોફી જીતી છે.
તેઓ મેકઅપ આર્ટિસ્ટ, ભરતગૂંથણ, વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવવી, એન્કરિંગ અને ફોટોગ્રાફીમાં પણ નિપુણતા ધરાવે છે.

પૂજાએ સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેમની સફળતા પાછળ પરિવારનો મોટો ફાળો છે.
તેમણે ખાસ કરીને માતા-પિતા અને ભાઈ સાગરનો આભાર માન્યો હતો. તેમના પિતા ભરતભાઈ અને ભાઈ સાગરે તેમના ઘરનું નામ પણ ‘પૂજાનું ઘર’ રાખ્યું છે.
કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. મોહનભાઈ પટેલે પણ તેમની સિદ્ધિઓને બિરદાવી હતી.