Gujarat

પતિ, સાસુ અને કાકા સસરાના ત્રાસથી કંટાળી મહિલાએ પગલું ભર્યું, સમયસર સારવારથી બચાવ

કઠલાલના છીપડી ગામમાં એક 27 વર્ષીય પરિણીતાએ કૌટુંબિક ત્રાસથી કંટાળીને એસિડ પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. સમયસર સારવાર મળતા મહિલાનો જીવ બચી ગયો છે. મહિલાના લગ્ન વર્ષ 2023માં થયા હતા.

શરૂઆતના એક મહિના સુધી બધું સામાન્ય હતું. ત્યારબાદ પતિ ઘરની નાની-નાની બાબતોમાં ઝઘડો કરી શારીરિક-માનસિક ત્રાસ આપવા લાગ્યો. સાસુ પણ પુત્રનું ઉપરાણું લઈ પુત્રવધूને હેરાન કરતા હતા. નજીકમાં રહેતા કાકા સસરા પણ ત્રાસ આપતા હતા.

પીડિતા એકવાર પિયર જતી રહી હતી. પરિવારજનોએ સમજાવ્યા બાદ તે સાસરે પરત ફરી. થોડા દિવસ શાંતિ રહ્યા બાદ ફરી ત્રાસ શરૂ થયો. 15 મે 2025ના રોજ સાંજે પતિ સાથે ઘરકામ બાબતે ઝઘડો થયો.

ત્યારબાદ મહિલાએ ઘરમાં પડેલી એસિડની બોટલમાંથી બે ઘૂંટડા પી લીધા. હાલ પીડિતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેણે પતિ, સાસુ અને કાકા સસરા વિરુદ્ધ કઠલાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.