સુરતમાં આજે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપી રહેલી વિદ્યાર્થીનીની તબિયત અચાનક ખરાબ થતા સ્કૂલમાં દોડધામ થઈ ગઈ હતી. આ મામલે સ્કૂલ દ્વારા તાત્કાલિક 108ને જાણ કરવામાં આવી હતી. ગણતરીની મિનિટોમાં સ્કૂલ પહોંચેલી વિદ્યાર્થીનીને ઓક્સિજન સપોર્ટ સાથે હોસ્પિટલ ખસેડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીનીને છાતીમાં દુખાવો થતો હતો અને અડધું જ પેપર હજુ લખી શકી હતી.
વિદ્યાર્થીનીની તબિયત અચાનક લથડી મળતી માહિતી પ્રમાણે, અલથાણ વિસ્તાર આવેલી શ્રી સત્ય સાંઈ સ્કૂલમાં આજે ધો.-10 બોર્ડની પરીક્ષા ચાલી રહી હતી. ત્યારે ધોરણ 10માં અભ્યાસ કરતી પૂજાબેન રાજપૂત નામની વિદ્યાર્થીનીની તબિયત અચાનક લથડી હતી.
પૂજાબેનને છાતી અને કમરમાં અસહ્ય દુખાવો ઉપડ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ શાળા સંચાલકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને કોલ કર્યો હતો. સુરત નવજીવન લોકેશનના પાયલોટ કરણભાઈ ચોટાલા અને EMT વાત્સલતા બેન ડામોર ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
સુરત 108 એમ્બ્યુલન્સ સર્વિસના ટેરેટરી ઇન્ચાર્જ રોશન દેસાઈએ જણાવ્યું હતું કે, એમ્બ્યુલન્સ સ્ટાફે પૂજાબેનને તપાસ્યા બાદ તેમને તાત્કાલિક ઓક્સિજન સપોર્ટ પર લીધા હતા. ત્યારબાદ તેમને વધુ સારવાર માટે ભટાર રોડ ખાતે આવેલી અમૃતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પૂજાબેનની તબિયત હાલમાં સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
વિદ્યાર્થીની અડધું જ પેપર લખી શકી હતી. આ ઘટનાએ વિદ્યાર્થીઓમાં થોડીવાર માટે ગભરાટ ફેલાવી દીધો હતો, પરંતુ 108 એમ્બ્યુલન્સની ત્વરિત કાર્યવાહીથી વિદ્યાર્થીનીને સમયસર સારવાર મળી શકી હતી.